આજથી આ નિયમો બદલાઈ જશે

આજે 1 એપ્રિલ છે, એટલે કે નાણાકીય વર્ષ 2025-26નો પ્રારંભ. દેશમાં દર વર્ષે માર્ચ મહિનાની સમાપ્તિ સાથે નવા નિયમો અને નીતિઓમાં ફેરફારો થતા હોય છે, અને આ વખતે પણ ઘણા મહત્વના બદલાવો અમલમાં આવ્યા છે. આ વર્ષે ફોર વ્હિલરનો શોખ મોંઘો થવાનો છે આ સાથે 12 લાખ સુધીની આવક ધરાવતા લોકોને ટેક્સમાં થોડી રાહત મળવાની છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

નવી ટેક્સ વ્યવસ્થામાં મોટી રાહત

નવી કર વ્યવસ્થા હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો લાગશે નહીં. પગારદાર વર્ગ માટે 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા સુધી પહોંચે છે. સરકારે નવી ટેક્સ સિસ્ટમના સ્લેબમાં ફેરફાર કર્યા છે, પરંતુ જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ બદલાવ નથી.

ફોર-વ્હીલરના ભાવમાં વધારો

આજથી મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ ઈન્ડિયા, કિયા ઈન્ડિયા અને હોન્ડા જેવી કંપનીઓએ તેમની ગાડીઓની કિંમતોમાં વધારો જાહેર કર્યો છે. આનાથી ગાડી ખરીદવી મોંઘી બની છે, જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

વરિષ્ઠ નાગરિકોને વ્યાજ પર વધુ રાહત

બેંકો અને પોસ્ટ ઓફિસમાંથી વ્યાજની આવક પર વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી કર મુક્તિ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે હવે વરિષ્ઠ નાગરિકોને વ્યાજની આવક પર 1 લાખ રૂપિયા સુધીની રાહત મળશે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 44.50 રૂપિયાનો ઘટાડો થયો છે. અગાઉ આ સિલિન્ડરની કિંમત 1913 રૂપિયા હતી, જે હવે ઘટીને સસ્તી થઈ છે. જોકે, ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોગ્રામના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) હેઠળના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના (UPS) શરૂ કરી છે. આ યોજનામાં 25 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને તેમના છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે, જેમાં ન્યૂનતમ 10,000 રૂપિયાની ગેરંટી છે. કર્મચારીઓએ પગારના 10% ફાળો આપવાનો રહેશે, જ્યારે સરકાર 18.5% યોગદાન આપશે.

ULIP પર નવો ટેક્સ નિયમ

જો યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન (ULIP) નું વાર્ષિક પ્રીમિયમ 2.5 લાખ રૂપિયાથી વધુ હશે, તો તેના નફા પર કેપિટલ ગેન ટેક્સ લાગશે. 12 મહિનાથી વધુ સમય માટે રાખેલા ULIP પર 12.5% લાંબા ગાળાનો ટેક્સ અને ઓછા સમય માટે 20% ટૂંકા ગાળાનો ટેક્સ લાગશે.

બેંકમાં ન્યૂનતમ બેલેન્સના નિયમોમાં ફેરફાર

SBI, PNB, કેનેરા બેંક સહિતની બેંકોએ ન્યૂનતમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે આ નિયમો ખાતું શહેરી, અર્ધ-શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં છે તેના આધારે નક્કી થશે, અને નિર્ધારિત રકમથી ઓછું બેલેન્સ રાખવા પર દંડ લાગી શકે છે.

ATFના ભાવમાં ઘટાડો

એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 6,064.10 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો થયો છે. ચેન્નાઈમાં તેની કિંમત હવે 92,503.80 રૂપિયા થઈ છે, જેનાથી હવાઈ મુસાફરી સસ્તી થવાની શક્યતા છે.

UPI માટે નવો નિયમ

જો તમે UPI દ્વારા ચુકવણી કરો છો અને તમારો બેંક સાથે જોડાયેલો મોબાઈલ નંબર લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો હવે તે નંબર પર UPI કામ નહીં કરે. આવા નંબરોને UPI સિસ્ટમમાંથી હટાવવામાં આવશે, જેના કારણે ચુકવણીમાં મુશ્કેલી થઈ શકે છે.

‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ યોજના સમાપ્ત

મહિલાઓ માટે શરૂ કરાયેલી ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ (MSSC) યોજના હવે બંધ કરવામાં આવી છે. આ યોજના 7.5%ના વાર્ષિક વ્યાજ દર સાથે ઓફર કરવામાં આવતી હતી, જેમાં 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી લઈને મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ થઈ શકતું હતું.