મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અંધેરી વિસ્તારમાંથી લોરેન્સ ગેંગના પાંચ સભ્યોની ધરપકડ કરી છે. આ ધરપકડ શનિવાર, 2 એપ્રિલના રોજ કરવામાં આવી હતી, જેમાં પોલીસને આરોપીઓ પાસેથી 7 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસને શંકા છે કે આ ગેંગ કોઈ સેલિબ્રિટીને નિશાન બનાવવાની યોજના બનાવી રહી હતી.

સૂત્રોની જાણકારી પ્રમાણે ધરપકડ કરાયેલા આરોપીઓમાં વિકાસ ઠાકુર ઉર્ફે વિકી, સુમિત કુમાર દિલાવર, શ્રેયસ યાદવ, દેવેન્દ્ર સક્સેના, વિવેક ગુપ્તાનો સમાવેશ થાય છે. આ બધા આરોપીઓ રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જેમાંથી સુમિત કુમાર અને વિકાસ ઠાકુર હિસ્ટ્રીશીટર છે, એટલે કે તેમની પાસે પહેલેથી જ અપરાધિક રેકોર્ડ છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં તેમણે સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે તમામની ધરપકડ કરી લધી છે, અને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અગાઉ લોરેન્સ ગેંગનું નામ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલું છે, જેમને આ ગેંગ તરફથી લાંબા સમયથી ધમકીઓ મળી રહી છે. આ ધરપકડ અને હથિયારોની જપ્તી બાદ પોલીસ આ ઘટનાને સલમાનની સુરક્ષા માટે ગંભીર જોખમ તરીકે જોઈ રહી છે. 2023માં ધમકીઓ મળ્યા બાદ સલમાનને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમની સાથે હંમેશા 11 જવાનો હોય છે, જેમાં કમાન્ડો અને વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ (PSO) સામેલ છે. તેમની કાર બુલેટપ્રૂફ છે અને આગળ-પાછળ બે એસ્કોર્ટ વાહનો હોય છે. 14 એપ્રિલ, 2024ના રોજ સવારે 5 વાગ્યે, સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 7.6 બોરની બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ તેમની બાલ્કનીને બુલેટપ્રૂફ બનાવવામાં આવી અને ચારે બાજુ હાઈ રીઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવ્યા. મુંબઈ પોલીસ આ ગેંગના ઈરાદાઓ અને સંભવિત નિશાનાની તપાસ કરી રહી છે. આ ધરપકડને સલમાન ખાનની સુરક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી હોવાથી, આગળની કાર્યવાહી પર બધાની નજર છે.