નવી દિલ્હીઃ દિલ્હી, કર્ણાટક સહિત કેટલાંક રાજ્યોમાં મહિલાઓને બસ સેવા મફત કરવામાં આવી છે. કેટલીય શરતોની સાથે મેટ્રો રેલ સુવિધાઓમાં પણ છૂટ આપવાની રાજકીય પક્ષોની ઘોષણાઓ પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહે આકરી ટિપ્પણી કરી છે.
તેમણે કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો મેટ્રો અને બસો જેવી મફત જાહેર ટ્રાન્સપોર્ટની વકાલત કરે છે, પરંતુ જનતાએ આ સેવાઓ સંપૂર્ણ રીતે મફત આપવી એ આર્થિક રીતે વ્યવહારુ નથી. આ બધી કેપિટલ ઇન્ટેન્સિવ યોજનાઓ છે.આ બધી સુવિધાઓ- મેટ્રો અને ઇલેક્ટ્રિક બસો, એ આર્થિક રૂપે વ્યવહારુ હોવી જોઈએ. મારું માનવું છે કે આર્થિક રૂપે વ્યવહારુ યોજનાઓમાં સારી સેવા આપી શકાશે અને નાગરિક એનાથી ખુશ રહેશે અને કોઈ સમસ્યા નહીં રહે, એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્ર સરકાર દેશમાં 10,000 ઇલેક્ટ્રિક બસો ચલાવવાની તૈયારીમાં છે. 500 બસોનો પહેલો બેચ આગામી કેટલાક મહિનાઓમાં રાજ્યોમાં ડિલિવર કરવામાં આવશે. વિપક્ષ પર હુમલો કરતાં તેમણે કહ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષોનો સિદ્ધાંત છે કે બધી સેવાઓ મફત કરી દેવી જોઈએ. તેઓ આવી ચીજોને મફત બનાવવામાં વિશ્વાસ કરે છે. વંદે ભારત ટ્રેનોની જેમ આ પણ બહુ સફળ છે. બે દિવસ પહેલાં વડા પ્રધાને નવ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. લોકોને સારી સુવિધા મળે તો તેમને વધારે પૈસા આપવામાં કોઈ વાંધો નથી, એમ તેમણે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે દેશમાં 870 કિમી મેટ્રો નેટવર્ક બિઝાવવામાં આવી ચૂક્યું છે, જ્યારે 936 કિમીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, ત્યારે દેશમાં મેટ્રો ટ્રેનો આવી હતી.