જમ્મૂ-કાશ્મીરઃ રાજ્યમાં SMS સેવા બંધ કરી દેવામાં આવી છે. સોમવારના રોજ 72 દિવસ બાદ પોસ્ટપેડ મોબાઈલ નેટવર્ક સેવા ચાલુ કરવામાં આવી હતી પરંતુ તેના થોડા કલાકો બાદ જ SMS સેવા બંધ કરી દેવામાં આવી છે. સોમવાર બાદ ઘાટીના આશરે 40 લાખ પોસ્ટપેડ મોબાઈલ ફોને કામ કરવાનું શરુ કરી દીધું છે. જો કે આ તમામ વચ્ચે ત્યાંના લોકો માટે હવે નવી મુશ્કેલીઓ સામે આવી છે.
મોબાઈલ ફોન સેવાઓ તો ચાલુ કરવામાં આવી પરંતુ આઉટગોઈંગ કોલ લોકો માટે સમસ્યા બની ગયા છે. મોટાભાગના મોબાઈલ યૂઝર્સને છેલ્લા 72 દિવસનું બિલ મોકલવામાં આવ્યું છે અને સાથે જ બીલની રકમ ન ચૂકવવાના કારણે તેમની આઉટ ગોઈંગ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાને હજી સુધી ચાલુ કરવામાં આવી નથી, જેના કારણે લોકોએ બીલની ચૂકવણી કરી નથી.
ગત 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીરંમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને એટલા માટે જ ત્યાં ટેલિકોમ સુવિધાઓ પૂર્ણ રીતે બંધ કરવામાં આવી હતી. ટેલિકોમ સેવાઓને બંધ કરવાનું પગલું સરકારે સાવચેતીના ભાગ રુપે ઉઠાવ્યું હતું. આ સાવચેતીના પગલા અંતર્ગત રાજનેતાઓની નજરબંદી, વધારે સુરક્ષા દળોની તેનાતી અને સહેલાણીઓને ઘાટીમાંથી દૂર ખસેડવા જેવી બાબતો આમાં સમાવિષ્ટ હતી. આ તમામ પગલા ત્યાં સંઘર્ષોને રોકવા માટે ભરવામાં આવ્યા હતા.
ઘાટીમાં આશરે 70 લાખ જેટલા મોબાઈલ કનેક્શન છે. આ પૈકી 40 લાખ પોસ્ટપેડ નેટવર્કે કામ કરવાનું શરુ કરી દીધું છે અને 30 લાખ પ્રીપેડ ફોન છે જેને અત્યાર સુધી ચાલુ કરવામાં આવ્યા નથી. જો કે એવાતનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે ઈન્ટરનેટ સેવાઓ ક્યારથી શરુ કરવામાં આવશે.