F&O ટ્રેડિંગઃ વધુ વળતરની લાલચે સટ્ટાબાજીથી રોકાણકારો બચે

નવી દિલ્હીઃ આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ રોકાણકારોની વધતી સંખ્યા પર સતર્કતા જરૂરી છે. આર્થિક સર્વેમાં રિટેલ રોકાણકારોની વચ્ચે ફ્યુચર એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગના વધતા ચલણની આકરી ટીકા કરવામાં આવી છે. આ સૌપ્રથમ વાર છે કે કોઈ સરકારી એજન્સીએ F&O ટ્રેડિંગને લઈને કઠોર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારના સટ્ટા ટ્રેડિંગને ભારત જેવા વિકાસશીલ દેશમાં કોઈ જગ્યા નથી. એમાં ચેતવણી આપવામાં આવી છે કે શેરબજારમાં કોઈ પણ મોટી સંભવિત ઘટાડાથી રોકાણકાર ખુદને છેતરાયાની લાગણી અનુભવે છે અને તેઓ લાંબા સમય સુધી શેરબજારમાં પરત ફરવાથી ખચકાય  છે, જે અર્થતંત્ર માટે નુકસાનકારક છે.

આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ડેરિવેટિવ ટ્રેડિંગમાં મોટા પાયે લાભ કમાવાની સંભાવના હોય છે. એ સટ્ટાને ઉત્તેજન આપે છે અને લોકોને વધુ કમાણીની લાલચમાં પોતાના તરફ આકર્ષે છે. જેને પગલે મોટી સંખ્યામાં રિટેલ રોકાણકાર F&O ટ્રેડિંગ તરફ વળી રહ્યા છે. વળી, ડેરિટવેટિવ ટ્રેડિંગમાં ભાગ લેનારા મોટા ભાગના લોકોને અંતે નુકસાન ભોગવવું પડે છે.

હાલમાં જ કેપિટલ માર્કેટ નિયામક સેબીએ ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O)માં સટ્ટો કરવાની વિરુદ્ધ ચેતવણી આપી હતી, કેમ કે એ હવે અર્થતંત્રને અસર કરી રહ્યો છે, એમ સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે કહ્યું હતું. ઘરેલુ બચત સટ્ટાબાજીમાં જઈ રહી છે અને યુવકો F&Oમાં નોંધપાત્ર પૈસા ગુમાવી રહ્યા છે. એનાથી ઘરેલુ બચતમાં ઘટાડો થઈ રહ્યો છે.

તેમણે SBI મ્યુચ્યુઅલ ફંડના કાર્યક્રમમાં કહ્યું હતું કે આ રોકાણકારોનો એક નાનો મુદ્દો અર્થતંત્રનો એક વ્યાપક મુદ્દામાં ફેરવાઈ ગયો છે. સેબીના એક રિસર્ચ મુજબ રોકાણકાર F&O સેગમેન્ટમાં 10માંથી નવ સોદાઓમાં નુકસાન ભોગવે છે. જોખમના ખુલાસા કરવા પર ભાર આપતાં સેબી હાલમાં આ ક્ષેત્રમાંથી રોકાણકારોને દૂર રાખવા માટે સક્રિય રીતે પ્રયાસ કરી રહી છે.