નવી દિલ્હી: 28 મે, 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોના હિત અને દેશના માળખાગત વિકાસને લગતા પાંચ મહત્વના નિર્ણયો લેવાયામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં આ નિર્ણયો વિશેની વિગતો આપી. કેબિનેટ બેઠકમાં ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને ખેડૂતો માટે સસ્તી લોન યોજનાને મંજૂરી આપવામાં આવી, જેનાથી ખેતીની આવક અને સુલભતા વધશે. આ ઉપરાંત, ત્રણ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી મળી, જે દેશના પરિવહન અને આર્થિક વિકાસને ગતિ આપશે.
ખરીફ સીઝન 2025-26 માટે MSP હેઠળ રૂપિયા 2,07,000 કરોડની ફાળવણી કરવામાં આવી, જે ઉત્પાદન ખર્ચના 50%થી વધુ નફો આપશે. આ નિર્ણય કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (CACP)ની ભલામણો પર આધારિત છે, જે બજાર ભાવ અને કૃષિ-બિન-કૃષિ સંતુલનને ધ્યાનમાં રાખે છે. ખેડૂતોને કાર્યકારી મૂડી માટે 15,642 કરોડની વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી મળી, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ સુધીની લોન 7% વ્યાજે મળશે. સમયસર ચૂકવણી પર 3% વધુ સબસિડી આપવામાં આવશે, જેથી વ્યાજ માત્ર 4% રહેશે. ત્રણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં આંધ્રપ્રદેશનો 108 કિમી બડવેલ-નેલ્લોર હાઈવે, મહારાષ્ટ્રની 135 કિમી વર્ધા-બલ્લારશાહ રેલવે લાઈન અને મધ્યપ્રદેશની 41 કિમી રતલામ-નાગડા રેલવે લાઈનનો વિસ્તાર સામેલ છે.
બડવેલ-નેલ્લોર હાઈવે, જે NH-67નો ભાગ છે, 3,653 કરોડના ખર્ચે 20 વર્ષમાં BOT મોડલ પર બનશે. આ હાઈવે કૃષ્ણપટ્ટનમ બંદર અને વિશાખાપટ્ટનમ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ જેવા ઔદ્યોગિક કોરિડોર્સને જોડશે, જે હુબલી, બેલ્લારી, કડપ્પા જેવા વિસ્તારોનો આર્થિક વિકાસ કરશે. વ્યાજ સબસિડી યોજના 449 બેંકો અને નાણાકીય સંસ્થાઓને એક પોર્ટલ દ્વારા જોડે છે, જે ખેડૂતોને 2 લાખ સુધીની લોન ગેરંટી વિના આપશે. આ નિર્ણયો ખેડૂતોની આર્થિક સુરક્ષા અને દેશના વિકાસને મજબૂત કરશે.
