દિલ્હી પોલીસે વિભવકુમારની CM નિવાસસ્થાનેથી ધરપકડ કરી

નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલથી CM હાઉસમાં થયેલી મારપીટ મામલે આરોપી વિભવકુમારની દિલ્હી પોલીસે CM કેજરીવાલના ઘરેથી અટકાયત કરી છે. પોલીસ હવે વિભવકુમારે હોસ્પિટલમાં લઈ જશે અને થોડી વારમાં તેની ધરપકડની અપેક્ષા છે. દિલ્હી પોલીસને ઇનપુટ મળ્યા હતા કે વિભવકુમાર દિલ્હીથી બહાર નહીં, પણ મુખ્ય મંત્રી નિવાસ્થાનમાં જ હાજર છે.

સ્વાતિ માલીવાલની 13 મેએ મારપીટની ઘટના સામે આવી હતી અને તેમણે કેજરીવાલના નજીકના વિભવકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ તેમણે FIR નોંધાવી હતી અને શુક્રવારે કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું., જેમાં વિભવકુમાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. કેસ નોંધ્યા પછી દિલ્હી પોલીસ વિભવની ધરપકડ માટે સતત તેનું લોકેશન શોધી રહી હતી.

વિભવકુમારનું કહેવું છે કે તેને મિડિયા દ્વારા FIRની માહિતી મળી હતી. વિભવકુમારે પણ ઈમેઇલ દ્વારા પોલીસમાં ફરિયાદ કરી હતી. વિભવે અરજ કરી હતી કે તેની ફરિયાદ દિલ્હી પોલીસ ધ્યાનમાં લે. વિભવનું કહેવું છે કે તેને કોઈ નોટિસ નથી મળી.

બીજી બાજુ, સ્વાતિ માલીવાલની મેડિકલ રિપોર્ટ આવી ગઈ છે. દિલ્હી એમ્સની ટ્રોમા સેન્ટરમાં તેમનું મેડિકલ થયું હતું. MLCએ તેમની આંખ, ચહેરા અને પગમાં ઇજાનાં નિશાનની પુષ્ટિ કરી છે. તેમના જમણા પગમાં ઇજા થઈ છે. ડાબી આંખની નીચે પણ ઇજાનાં નિશાન મળ્યાં છે. માલીવાલના શરીરમાં ચાર જગ્યાએ ઇજાનાં નિશાન મળ્યાં છે. તે જ્યારે મેડિકલ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના માથામાં પણ ઇજા થઈ હતી.