શરજીલ સામે ‘રાષ્ટ્રવિરોધી’ ભાષણ કરવા બદલ ચાર્જશીટ

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના રિસર્ચ સ્કોલર શરજીલ ઇમામની મુસીબતોમાં વધારો થયો છે. નાગરિકતા સંશોધન કાનૂન અને રાષ્ટ્રીયતા નાગરિકતા રજિસ્ટરની સામે ડિસેમ્બરમાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં રાષ્ટ્રવિરોધી ભાષણ આપવા અને તોફાનોને ભડકાવવાના આરોપમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

શરજીલે 13 ડિસેમ્બરે ભડકાઉ ભાષણ આપ્યું

શરજીલ ઇમામ પર આરોપ છએ કે 13 ડિસેમ્બર, 2019એ તેણે તેના ભાષણમાં દેશના ભાગલા પાડવાની વાત કહી હતી. આ ભડકાઉ ભાષણના બે દિવસ પછી એટલે કે 15 ડિસેમ્બરે દિલ્હીની જામિયા નગર અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં હિંસક પ્રદર્શન થયું હતું, જેમાં કેટલીય બસોને સળગાવી દેવામાં આવી હતી અને રસ્તાઓ પર ભારે તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસે હવે તપાસ પૂરી કર્યા પછી દિલ્હીમાં રમખાણો ભડકાવવાના મામલામાં દેશદ્રોહની કલમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. બીજી બાજુ શરજીલ ઇમામના વકીલે જણાવ્યું હતું કે આ ચાર્જશીટ પોલીસે 17 એપ્રિલે દાખલ કરી હતી. અમે આની સામે કાયદાકીય રીતે લડીશું.

15 ડિસેમ્બરે મોટા પાયે રમખાણ

15 ડિસેમ્બરે નાગરિકતા સંશોધન કેન્દ્ર (CAA)ની સામે જામિયાના સ્ટુડન્ટોએ જામિયા નગર અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની ક્ષેત્રમાં વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમ્યાન જમા થયેલી ભીડે મોટા પાયે રમખાણો, પથ્થરબાજી અને આગ ચાંપવાના બનાવ બન્યા હતા. આ હિંસા દરમ્યાન ભીડે કેટલીક જાહેર અને ખાનગી સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું અને આગ લગાડી દીધી હતી. જામિયા અને ન્યુ ફ્રેન્ડસ કોલોનીમાં તોફાનો, આગ ચાંપવાના બનાવો અનમે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કેટલાક કેસ નોંધવામાં આવ્યા હતા. આ હિંસામાં કેટલાય પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પહેલાં જામિયા ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં હિંસા મામલે દિલ્હી પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. આમાં દિલ્હી પોલીસે JNUની સ્ટુડન્ટ્સ શરજીલ ઇમામ સહિત 17 લોકોનાં નામ સામેલ કર્યાં છે. ફેબ્રુઆરીમાં ચાર્જશીટમાં શરજીલ પર હિંસા ભડકાવવાનો આરોપ પણ મૂક્યો હતો.