દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, AAP ને મોટો ઝટકો

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાને ચૂંટણી માહોલ જામ્યો હતો. આજે દિલ્હી વિધાનસભાની જનતાએ ક્યાં પક્ષને ગાદી આપવી તેનો નિર્ણય થવાનો હતો. ઉલ્લેખનીય છે કે 27 વર્ષ પછી દિલ્હીની જનતાના દિલમાં ફરી એક વખત કમળ ખીલ્યું છે. ચૂંટણી પંચના મતે દિલ્હી વિધાનસભામાં ભાજનની 4 બેઠકોથી જીત થઈ છે અને 44 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 48 બેઠકો તેમની પાસે છે. આમ આદમી પાર્ટી (AAP) એ પણ 2 બેઠકો જીતી છે અને 20 બેઠકો પર આગળ છે, એટલે કે કુલ 22 બેઠકો છે. જ્યારે કોંગ્રેસને સતત ત્રીજીવાર એક પણ બેઠક મળી નથી.

દિલ્હી વિધાનસભામાં AAPના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી હારી ગયા છે. જ્યારે મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયાં છે. સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે. આ દરમિયાન, કેજરીવાલને હરાવનારા ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા અમિત શાહને મળવા પહોંચ્યા. દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને સંબોધશે.

ભાજપે છેલ્લી ચૂંટણી (2020) ની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9% થી વધુનો વધારો કર્યો. તે જ સમયે, AAP ને 10% થી વધુનું નુકસાન થયું છે. ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળે, પણ તે પોતાનો મત હિસ્સો 2% વધારવામાં સફળ રહી. ભાજપે છેલ્લી ચૂંટણી (2020)ની સરખામણીમાં તેમની સીટોમાં 40નો વધારો થયો છે. તે જ સમયે, AAP એ 40 બેઠકો ગુમાવી છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. તેઓ સતત ત્રીજીવાર એક પણ બેઠક જીતી શક્યા નથી.