નવી દિલ્હી- અમેરિકાની કંપની બોઈંગ તરફથી તૈયાર કરેલાં વિશ્વના ઘાતક હેલિકોપ્ટરોમાંથી એક અપાચે હેલિકોપ્ટરની પ્રથમ ખેપ ભારત પહોંચી ગઈ છે. જેમાં 4 અપાચે હેલિકોપ્ટર ભારત પહોંચ્યા છે. ભારતે બોઈંગ કંપની પાસે 22 AH-64E અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે કરાર કર્યા હતા. આ પહેલાં કંપનીએ મે મહિનામાં એરિઝોનામાં ભારતને પહેલું અપાચે હેલિકોપ્ટર સોંપ્યું હતું. બોઈંગ કંપનીએ ટ્વીટર પર હેલિકોપ્ટ ભારત પહોંચી ગયાં હોવા અંગેની જાણકારી આપી હતી. આ હેલિકોપ્ટરથી ભારતીય વાયુસેના હવે દુશ્મનના ઘરમાં ઘૂસીને વાર કરી શકશે.
આગામી સપ્તાહે 4 હેલિકોપ્ટરોની અન્ય એક ખેપ ભારત પહોંચશે. ત્યારબાદ 8 હેલિકોપ્ટર પઠાણકોટ પહોંચશે. 2020 સુધીમાં ભારતીય વાયુસેનાને તમામ 22 અપાચે હેલિકોપ્ટરની ડિલીવરી મળી જશે.
અમેરિકાની કંપનીનું AH-64 અપાચે હેલિકોપ્ટર દુનિયાભરમાં મલ્ટિ રોલ યુદ્ધ હેલિકોપ્ટર તરીકે જાણીતું છે. લાંબા સમયથી અમેરિકાની સેનામાં તેનો ઉપયોગ થતો રહ્યો છે. પણ હવે તેનો ઉપયોગ કરનાર દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં કંપનીએ હજુ સુધી 2100 અપાચે હેલિકોપ્ટર્સની સપ્લાય કરી છે. અમેરિકાની સેનાએ 1984માં પહેલી વખત અપાચે હેલિકોપ્ટરને પોતાના બેડામાં સામેલ કર્યા હતા.
અપાચે હેલિકોપ્ટર એવું પહેલું હેલિકોપ્ટર છે કે જે ભારતીય સેના માટે દુશ્મન પર ઘાટક હુમલો કરવાનું કામ કરશે. ભારતીય સેના રશિયા નિર્મિત એમઆઈ-35નો ઉપયોગ વર્ષોથી કરી રહી છે, પણ હવે તે રિટાયરમેન્ટ થવા આવ્યું છે. અપાચેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે દુશ્મનની કિલ્લેબંધીને ભેદીને તેની સીમામાં ઘૂસીને હુમલો કરી શકે છે.
અપાચે હેલિકોપ્ટરની મદદથી પીઓકેમાં આતંકી ઠેકાણોઓને સરળતાથી તબાહ કરી શકાશે. રક્ષા વિશ્લેષકોનું માનવું છે કે, અપાચે યુદ્ધના સમયે ગેમ ચેન્જરની ભૂમિકા નિભાવી શકે છે. અપાચે હેલિકોપ્ટરમાં બે જનરલ ઈલેક્ટ્રિક T700 ટર્બોશેફ્ટ એન્જિન છે અને આગળની તરફ બે સેન્સર પણ ફીટ કરાયેલાં છે. જેના કારણે તે રાત્રે પણ ઉડાન ભરી શકે ઠે. તે 365 કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે. તે સરળતાથી દુશ્મનોના ટેન્કને ધ્વસ્ત કરી શકે છે.