મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં, વિદેશમાંથી ભારતમાં 5G સ્માર્ટફોનના માલની સપ્લાઈના પ્રમાણમાં 30 ટકાનો વધારો નોંધાયો હતો. પરંતુ, 2G અને 4G ફીચર ફોનનું શિપમેન્ટ અનુક્રમે 21 ટકા અને 58 ટકા જેટલું ઘટી ગયું છે.
ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રુપ – સાઈબરમીડિયા રિસર્ચ (સીએમઆર)ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 5G નેટવર્ક/ટેક્નોલોજી માટે તાજેતરમાં જ સ્પેક્ટ્રમની કરાયેલી હરાજી બાદ 5G સ્માર્ટફોનનું શિપમેન્ટ ત્રીજા ક્વાર્ટરમાં સારું એવું વધી ગયું હતું. એમાં વળી તહેવારોની મોસમ પણ હતી અને ગ્રાહકોને ખર્ચેલા પૈસા વસૂલ થાય એ માટે 5G ફોનનું આકર્ષણ પણ હતું, તેથી ભારતમાં પ્રીમિયમ 5G સ્માર્ટફોનનું શિપમેન્ટ વધ્યું છે.