મુંબઈઃ તાજેતરમાં મુંબઈના પરા કાંદિવલીમાં કર્ણના જીવનના ચોક્કસ પ્રસંગો વિશે રસપ્રદ વાતો સાંભળવા મળી. તે પણ નાટ્યજગતના ઊંડા મર્મી-અભ્યાસી-સંશોધક ડો. મહેશ ચંપકલાલના મુખે. તેમણે કર્ણ અને કૃષ્ણ વચ્ચેના સંવાદ વિશે તેમ જ કર્ણ અને કુંતી વચ્ચે થયેલા સંવાદ વિશે રસપ્રદ અને વિચારપ્રેરક વાતો કરી હતી. આ વાતો સાંભળવા-વાંચવાથી દરેકમાં કંઈક વૈચારિક તત્વ ઉમેરાશે, તેથી અહીં ગમતાનો ગુલાલ કરવાના હેતૂ સાથે આપની સમક્ષ મુકવાનું દિલ થયું છે. મહાભારતનો કર્ણ ભલે કૌરવોના પક્ષે રહી યુધ્ધ કરે છે, તેમછતાં કર્ણ સૌનું પ્રિય પાત્ર બની રહે છે. કર્ણની કથા આમ તો જાણીતી છે, કિંતુ કર્ણ વિશે રવિન્દ્રનાથ ટાગોરે અને ઉમાશંકર જોષીએ લખેલા સંવાદ-કાવ્ય વિશે બહુ ઓછાં લોકો જાણતા હશે. મહાભારતના યુધ્ધને ટાળવા અર્થે કર્ણ અને માતા કુંતી વચ્ચે થયેલા સંવાદ તેમ જ કૃષ્ણ અને કર્ણ વચ્ચે થયેલા સંવાદ વિશે આ બન્ને હસ્તીઓની રચનાનો આસ્વાદ ડો. મહેશ ચંપકલાલે કરાવ્યો ત્યારે સભાગૃહમાં હાજર રહેલા શ્રોતાઓએ મહાભારતકાળમાં પહોંચી ગયા હોવાની અનુભુતિ મેળવી હતી.
ડો. મહેશ ચંપકલાલના કહેવાનુસાર, મહાભારતનું એક સર્વથા શાપિત અને ઉપેક્ષિત, છતાંય અતિ ઉત્તમ પાત્ર એટલે કર્ણ, જે કુંતીપુત્ર હોવાછતાં રાધાના પુત્ર તરીકે ઓળખાયો, સૂર્યપુત્ર હોવાછતાં સૂતપુત્ર કહેવાયો, પોતાની આગવી ઓળખ ઊભી કરવા જીવનભર ઝઝુમતો રહ્યો. પોતાનું મૃત્યુ નિશ્રિત હોવાછતાં જેણે પોતાના કવચકુંડળ બ્રાહ્મણરૂપે આવેલા ઈન્દ્રને દાનમાં આપી દીધા એવો પ્રખર દાનવીર અને મૈત્રીધર્મનું પાલન કરવા જે સદાય દુર્યોધનને પડખે રહ્યો એવો પ્રદિપ્ત ધર્મવીર કર્ણ આધુનિક સર્જકો માટે સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. મહાભારતનો આધાર લઈ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કર્ણના કુંતામાતા સાથેના અને જ્ઞાનપીઠ પુસ્કારથી વિભુષિત ઉમાશંકર જોષીએ કરેલા કર્ણના કૃષ્ણ સાથેના સંવાદનું કાવ્ય રચી કર્ણના ઉજજવળ ચરિત્રનું જે આલેખન કર્યુ છે તેનો ડો. મહેશ ચંપકલાલ તેમની આગવી શૈલીમાં આસ્વાદ કરાવ્યો હતો.
૨૫૦૦ વરસ પહેલાં કર્ણને કોણે બિરદાવ્યો?
કળા, સાહિત્ય, સંગીત, જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારના લક્ષ્ય સાથે સતત સાતેક વરસથી દર મહિને એક નોખા કાર્યક્રમનું આયોજન કરતી કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’એ યોજેલા આ કાર્યક્રમમાં ડો. મહેશ ચંપકલાલે એક કલાકમાં બે કાવ્યોના આસ્વાદથી સૌને મંત્રમુગ્ધ કરી દેતા કહ્યું હતું કે કર્ણ વિશે સૌથી પહેલા એટલે કે ૨૫૦૦ વરસ પૂર્વે મહાકવિ ભાસે સંવાદ લખ્યા હતા. એટલું જ નહી, મહાકવિ ભાસે ત્યારબાદ અન્ય પાત્રમાં દુર્યોધન અને ઘટોત્કચનું પણ વર્ણન કર્યુ હતું. મહાભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા કર્ણને તેમણે કેન્દ્રમાં મુકીને વાત કરી હતી. જ્યારે કે પાંડવોને તેમણે હાંસિયામાં મુકી દીધા હતા. કવિ કાલિદાસ મહાકવિ ભાસને તેમના ગુરુ માનતા હતા.
પાંડવો પાંચ જ રહેશે
મહાભારતના યુધ્ધમાંથી કર્ણ ખસી જાય તો યુધ્ધ ટળી શકે એવી સંભાવના હતી ત્યારે કર્ણને સમજાવવા માતા કુંતી અને કૃષ્ણએ કરેલા પ્રયાસ વિશે મહેશ ચંપકલાલ જણાવે છે કે જ્યારે કુંતી કર્ણને સમજાવવા આવે છે અને તેને જ્યેષ્ઠ પાંડુ ગણાવી રાજપાટ મેળવવાની વાત પણ કરે છે. ત્યારે કર્ણ કહે છે, માતા તમને મારી આટલા વરસે યાદ આવી? તમને ખબર હતી છતાં તમે આટલા વરસો મારા મૂળ અને કુળ વિશે સવાલો થતા રહ્યા, મારું અપમાન થતું રહ્યું તેમછતાં ચુપ રહ્યાં. હવે તમે મારી પાસે કંઈક માગવા આવ્યા છો તો મારા પૌરુષ અને ધર્મ સિવાય તમે માગશો તે આપીશ. માતૃસ્નેહ વિધિનું પહેલું વરદાન છે. પરંતુ કર્ણને જન્મ સાથે જ ત્યાગી દેવાયો હતો. કર્ણ કુંતીમાતાને કહે છે, મને રાધાપુત્ર હોવાનો અને શુતપુત્ર હોવાનું ગૌરવ છે. હું તમને એટલું વચન આપું છું કે પાંડવો પાંચ જ રહેશે. કાં તો અર્જુન હણાશે અથવા હું હણાઈશ. તેથી પાંડવો તો પાંચ જ રહેશે.
સમષ્ટિના હિતમાં
કર્ણ અને કૃષ્ણ વચ્ચેના સંવાદમાં કર્ણ કહે છે, કૃષ્ણ તમે અને હું સૂર્ય અને ચંદ્ર સમાન છીએ, આપણું એકસાથે મિલન સંભવ નથી. હું આથમું પછી તમે ઉગો છો. કૃષ્ણ કર્ણને યુધ્ધથી દૂર થઈ જવા સમજાવે છે, પણ કર્ણ કૃષ્ણને એવા સવાલો કરે છે જેના જવાબ કૃષ્ણ પણ આપી શકતા નથી. અહીં કવિએ કર્ણને મુઠીઊંચેરો દર્શાવ્યો છે. કૃષ્ણ કર્ણને વિવિધ દલીલો સાથે સમજાવવાના પ્રયાસ કરે છે, તે માટેના નક્કર દાખલા આપે છે. તેમછતાં કર્ણ ચલિત થતા નથી આ વાર્તાલાપનું મહેશ ચંપકલાલે બહુ જ રસપૂર્વક વર્ણન કર્યુ છે. કૃષ્ણ કર્ણને સમષ્ટિના હિતમાં બધું જ ભૂલી જવા અને પી જવા કહે છે, કિંતુ કર્ણ તેનો એવો જ સચોટ જવાબ આપતા કહે છે, કૃષ્ણ સમષ્ટિના હિતમાં જ હું આ કરી રહ્યો છું, જેથી હવે પછી જગતમાં કોઈની સાથે કર્ણ જેવું ન થાય. કુળ અને મૂળના નામે કોઈને સ્પર્ધાથી વંચિત ન રહેવું પડે. કોઈની સાથે અન્યાય ન થાય. કોઈને પોતાની ઓળખ માટે સંઘર્ષ કે અપમાન સહન કરવા ન પડે. ભાવિમાં કોઈની સાથે મારી જેવું ન થાય એ જ મારું લક્ષ્ય છે. જન્મ હિન હોઈ શકે, કર્મ હિન નથી.
આ કાર્યક્રમમાં મહાભારતના પ્રખર અભ્યાસી ડો. દિનકર જોષી સહિત વિવિધ અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. ‘સંવિત્તિ’ના સ્થાપક સભ્ય કીર્તિ શાહે ડો.મહેશ ચંપકલાલનો પરિચય આપ્યો હતો. શ્રોતાઓ કર્ણમય થઈને પાછાં ફર્યા હતા.