રામ મંદિરની પહેલી ઈંટ મૂકવા માટે શિવસૈનિકો સજ્જ છેઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈ – અત્રેના ગોરેગાંવ ઉપનગરમાં આયોજિત એક રેલીમાં સંબોધન કરતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમામ શિવસૈનિકોને અયોધ્યામાં રામ મંદિરની પહેલી ઈંટ મૂકવા માટે સજ્જ રહેવા જણાવવામાં આવ્યું છે.

ઉદ્ધવે કહ્યું કે દિવંગત બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે રામ મંદિરની પહેલી ઈંટ જો શિવસૈનિક રાખશે તો એ મોટી વાત ગણાશે. બાબરી મસ્જિદ તોડવાની જવાબદારી બાળાસાહેબ ઠાકરેએ અનેક વાર જાહેરમાં લીધી હતી.

જમ્મુ-કશ્મીરને વિવાદાસ્પદ વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને દૂર કરવા અને જમ્મુ-કશ્મીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયોની પ્રશંસા કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકારના આ નિર્ણયોને પગલે અયોધ્યામાં રામ મંદિર ઝટ બંધાશે એવી અમારી આશા બળવત્તર થઈ છે.

ઠાકરેએ મોદી સરકારને અપીલ પણ કરી છે કે તે હવે રામ મંદિરનું બાંધકામ ઝડપથી શરૂ કરાવે, લોકોને રાહ જોવડાવ્યે રાખવાનું યોગ્ય ન કહેવાય.

ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણી વખતે ઉદ્ધવે રામ મંદિર બાંધકામનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો.

એમણે આજની રેલીમાં કહ્યું કે, મોદી સરકાર જે કંઈ કરી રહી છે એનાથી અમારી આશા વધી છે. હવે વધારે રાહ જોવડાવવી યોગ્ય નથી. કોર્ટનો નિર્ણય ગમે તે આવે, જે રીતે સરકારે 370મી કલમ રદ કરવાનો નિર્ણય લીધો છે એ જ હિંમતથી એણે રામ મંદિરનું નિર્માણ પણ શરૂ કરાવવું જોઈએ.

રામ જન્મભૂમિ વિવાદ હાલ સુપ્રીમ કોર્ટમાં છે અને કેસની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માગણી કરતી એક પીટિશન પર કોર્ટ ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર કરે એવી ધારણા છે. સુપ્રીમ કોર્ટ હાલ આ કેસમાં રોજેરોજ સુનાવણી કરી રહી છે.

ઉદ્ધવે ગોરેગાંવ (પૂર્વ)માં આરે મિલ્ક કોલોનીમાં મેટ્રો કાર શેડ બાંધવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.