મુંબઈ – અત્રેની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક લિમિટેડ (પીએમસી)ના ખાતેદારો માટે મોટી રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્કે ખાતેદારો માટે એમના ખાતામાંથી પૈસા ઉપાડવાની મર્યાદા રૂ. 1000થી વધારીને રૂ. 10 હજારની કરી દીધી છે.
ગઈ 24 સપ્ટેંબરે રિઝર્વ બેન્કે પીએમસી પર ઘણા નિયંત્રણો લાદ્યા હતા. જેમાં ગ્રાહકોને છ મહિનામાં માત્ર 1000 રૂપિયા જ ઉપાડવાની છૂટ અપાઈ હતી. એને કારણે ખૂબ ઉહાપોહ થયો છે.
રિઝર્વ બેન્કે પીએમસીને છ મહિના માટે નવી કોઈ પણ લોન ઈસ્યૂ કરવા પર કે કોઈ નવો ફિક્સ્ડ ડિપોઝીટ એકાઉન્ટ ખોલવા પર મનાઈ ફરમાવી દીધી છે.
પીએમસી પર આરબીઆઈના આ નિયંત્રણો બેન્કિંગ રેગ્યૂલેશન એક્ટ, 1949ની કલમ 35-A અંતર્ગત મૂકવામાં આવ્યા છે.
રિઝર્વ બેન્કે કહ્યું છે કે પીએમસી બેન્કમાં મોટી આર્થિક ગેરરીતિઓ તેના ધ્યાનમાં આવી છે અને એ માટે તેણે બેન્કની કામગીરીને સ્થગિત કરાવી દીધી છે.
પીએમસી બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર જોય થોમસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બેન્કના અધિકારીઓ સામે ખાતેદારોએ ફરિયાદ નોંધાવી
દરમિયાન, પીએમસી બેન્કના પરેશાન અને ચિંતાતુર થયેલા ખાતેદારોએ આજે મુંબઈમાં બેન્કના અધિકારીઓ વિરુદ્ધ સામુહિક રીતે ફરિયાદ નોંધાવી છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે ગ્રાહકોએ બેન્કના ચેરમેન તથા ડાયરેક્ટરો સામે જનતાનાં નાણાંની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બેન્કના ખાતેદારોના એક પ્રતિનિધિમંડળે સાયન ઉપનગરના પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ફરિયાદમાં એવો આરોપ મૂકાયો છે કે પીએમસીના ચેરમેન તથા અન્ય તમામ ડાયરેક્ટરો સહિત 14 જણે ખાતેદારોનાં પૈસા હડપ કરી લીધા છે. આ તમામ સામ ઉચિત રીતે કાર્યવાહી કરવાનું પણ ખાતેદારોએ જણાવ્યું છે.