મુંબઈ – આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે શાસક જોડાણના બે મુખ્ય સહયોગી પક્ષો – ભારતીય જનતા પાર્ટી અને શિવસેના ફરી સાથે મળીને જ લડશે. એમની વચ્ચે બેઠકોની વહેંચણીના મામલે સમાધાન થઈ ગયું છે. ભાજપના સૂત્રોના દાવા મુજબ ભાજપ 144 અને શિવસેના 126 બેઠક પર ચૂંટણી લડશે. બાકીની 18 બેઠક એમની સહયોગી નાની પાર્ટીઓને ફાળવવામાં આવી છે.
288 બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે આવતી 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
શિવસેનાએ 126 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખવા તેમજ સરકાર બને તો નાયબ મુખ્ય પ્રધાન પદ પોતાને મળશે, એમ બંનેનો સ્વીકાર કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપમાં આજે સવારે નવી દિલ્હીમાં એક આંતરિક બેઠક યોજવામાં આવી હતી, જેમાં પક્ષપ્રમુખ અમિત શાહ તથા કાર્યકારી પ્રમુખ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. તે બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના મહારાષ્ટ્ર એકમની સમિતિના સભ્યો – પંકજા મુંડે, સુધીર મુનગંટીવાર અને ગિરીશ મહાજન જેવા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ એવા અહેવાલો હતા કે શિવસેનાની માગણી 50:50 રેશિયો માટેની હતી.
2014ની વિધાનસભા ચૂંટણી બંને પક્ષે પોતપોતાની રીતે લડી હતી, પણ પરિણામ આવ્યા બાદ બંનેએ યુતિ કરીને સાથે મળીને સરકાર રચી હતી.