જયપુરઃ રાજસ્થાનમાં પ્રાઇમરી સ્કૂલો પછી હવે 160 સેકેન્ડરી સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભજનલાલ સરકારે છેલ્લા 10 દિવસોમાં 190 પ્રાઇમરી સ્કૂલ અને 260 સેકન્ડરી સ્કૂલ સહિત 450 સરકારી શાળાને બંધ કરી દીધી છે. માધ્યમિક શિક્ષણ નિયામક આશિષ મોદીએ રાજ્યભરમાં 260 સરકારી શાળા બંધ કરવાનો આદેશ કર્યો છે. જોકે અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કૂલ બંધ કરવામાં નથી આવી. આ બંધ થનારી તમામ શાળા હિન્દી માધ્યમની છે.
આ શાળાઓમાંથી બિકાનેરમાં ભાજપ ધારાસભ્ય અંશુમન સિંહ ભાટીના ઘર પાસે સ્થિત એક કન્યા સ્કૂલને પણ બંધ કરી દેવામાં આવી છે. આ સ્કૂલ એક જ પ્રાંગણમાં બે સ્કૂલોનું સંચાલન કરી રહી હતી, જેને બંધ કરીને બોય્ઝ સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો છે. કારણ કે, આ શાળામાં આશરે 300 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી.
આ બંધ કરવામાં આવેલી 260 શાળામાંથી 14 શાળાની સિનિયર સેકન્ડરી સ્કૂલ પણ છે. આ શાળામાં બાળકોનું નામાંકન પણ એકદમ ઓછું હતું, જેથી આ શાળાઓને બંધ કરી નજીકની બીજી શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. જેમાં જયપુર, અજમેર, પાલી, બ્યાવર, બીકાનેર, હનુમાનગઢ, ઉદયપુર અને જોધપુરની સ્કૂલનો સમાવેશ થાય છે. આ પ્રકારે પ્રાઇમરી શિક્ષણના નવ સ્કૂલોઓને તેની નજીકની હાયર સેકન્ડરી સ્કૂલમાં મર્જ કરી દેવામાં આવી છે.
શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું છે કે કોંગ્રેસ સરકારે સમજ્યાવિચાર્યા વિના ચૂંટણી જીતવા માટે શાળાઓ ખોલી દીધી છે, જ્યાં ન તો બાળકો છે અને ન તો શિક્ષકો છે. આવી સ્કૂલોમાં બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું હતું. બાળકોના સારા ભણતર માટે સ્કૂલ બંધ કરવામાં આવી છે અને અમુક શાળાઓની બીજી શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે. એક જ પ્રાંગણમાં ત્રણ-ત્રણ શાળા સંચાલિત થઈ રહી હતી, એવામાં ત્રણ શાળાને મર્જ કરીને એક બનાવી દેવાામાં આવી છે. જેથી, બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે અને ત્યાં શિક્ષક પણ હાજર હોય.