અમદાવાદઃ મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ 844 પોઇન્ટ ઊંચકાયો છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.09 લાખ કરોડનો વધારો થયો હતો.
વીકલી એક્સપાયરીને દિવસે સેન્સેક્સ 319 પોઇન્ટ વધી 77,043ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 99 પોઇન્ટની તેજી સાથે 23,312ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક 527 પોઇન્ટ વધીને 49,278.70ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 585 પોઇન્ટ વધી 54,484ના સ્તરે બંધ થયો હતો.
અમેરિકામાં ડિસેમ્બરમાં મોંઘવારીના દર ઘટીને આવતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવાની આશા બળવત્તર બની હતી. આ ઉપરાંત ઇઝરાયેલ- હમાસ વચ્ચે સંઘર્ષ વિરામ અંગે સમજૂતી થઈ હતી. જેની બજારના સેન્ટિમેન્ટ પર પ્રોત્સાહક અસર પડી હતી. આ સાથે કંપનીઓના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોની મોસમ શરૂ થઈ છે, જેથી પસંદગીના કંપનીના શેરોમાં તેજી થઈ હતી. આ સાથે જાન્યુઆરીમાં ઘરઆંગણે મોંઘવારી દર ઘટીને આવ્યો હતો. આ ઉપરાંત બજારમાં પ્રિબજેટ રેલી પણ શરૂ થવાની શક્યતા છે. આ સાથે બજારમાં સ્ટોક સ્પેસિફિક કામકાજ થવાની પણ ધારણા છે.
નાણાપ્રધાન રેલવે બજેટમાં વધારો કરે એવી શક્યતાને કારણે બજારમાં રેલવે શેરોમાં તેજી થઈ હતી. એ સાથે સરકારી કંપનીઓ માટે બજેટમાં કંઈક ખાસ જાહેરાત આવે એવી શક્યતાને પગલે સરકારી કંપનીઓના શેરોમાં તેજી થઈ હતી.
BSE એક્સચેન્જ પર કુલ 4067 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2778 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1188 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 101 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 98 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 63 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.