નવી દિલ્હી: વિશ્વભરના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જીવન છે કે હતું? આ સવાલનો જવાબ મેળવવા માટે મથી રહ્યા છે. આ માટે મંગળ ગ્રહ પર અનેક યાન પણ મોકલાયા છે. જે સમયાંતરે મંગળ ગ્રહની તસવીરો પૃથ્વી પર મોકલે છે. આ વખતે પણ અમેરિકન વૈજ્ઞાનિકોને કેટલીક એવી તસવીરો મળી છે કે જેનાથી ખ્યાલ આવે છે કે ત્યાં જીવન રહ્યું હશે.
અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના સંશોધકના મતે મંગળ ગ્રહ પર કીટકો જેવા જીવો હોવાના પુરાવા મળ્યા છે. વિવિધ માર્સ રોવર્સ દ્વારા પ્રાપ્ત તસવીરો અંગે પ્રોફેસર એમેરિટસ વિલિયમ રોમોસરના સંશોધનમાં કીટકો જેવા સ્વરૂપોના અનેક ઉદાહરણ જોવા મળ્યા હતાં. તસવીરોમાં જે જંતુઓ દેખાયા છે તે મધમાખી જેવા છે. આ ઉપરાંત સરીસૃપ જેવા સ્વરૂપ અને જિવાશ્મ અને જીવિત પ્રાણી એમ બંને પ્રકારના હોય એવું જણાય છે. રોમોસરે કહ્યું હતું કે ખાસ કરીને ક્યુરિયોસિટી રોવર દ્વારા મોકલાયેલી અનેક તસવીરો છે જે કીટક અને સરીસૃપ જેવા સ્વરૂપો સ્પષ્ટ રીતે દર્શાવે છે. અનેક તસવીરોથી જણાય છે કે ત્યાં આર્થ્રોપોડ બોડી સેગમેન્ટ, પગ, એન્ટેના અને પાંખોની સાથે આસપાસના ક્ષેત્રની બહાર જોઈ શકાય છે. રોમોસરના અનુસાર, આ જીવ પૃથ્વી પર શિથિલ મધમાખીઓ જેવા લાગે છે. અન્ય એક તસવીરમાં એક જિવાશ્મ પ્રાણી નજરે પડે છે જે સાપ જેવું દેખાય છે.
સંશોધક રોમોસરે કહ્યું હતું, ‘તસવીરો દ્વારા મંગળ પર જીવન અંગેના જે પુરાવા સંભવિત રીતે મળ્યા છે તે અનેકગણા મહત્વપૂર્ણ જૈવિક અને સામાજિક અને રાજકીય સવાલો માટે મજબૂત આધાર પ્રદાન કરે છે.’ તેમણે દરેક તસવીરોનો અલગથી વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે ફોટોગ્રાફિક પેરામીટર્સ જેમકે બ્રાઈટનેસ, કોન્ટ્રાસ્ટ, સેચ્યુરેશન, ઈન્વર્ઝન વગેરેનો ઉપયોગ કર્યો હતો અને કોઈ કન્ટેન્ટનો ઉમેરો કે ઘટાડો કર્યો ન હતો.
રોમોસરના આ અભ્યાસથી મંગળ પર જીવન અંગેની શોધમાં વ્યસ્ત વૈજ્ઞાનિકોને વધુ બળ અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. આ સંશોધન એન્ટોમોલોજિકલ સોસાયટી ઓફ અમેરિકાની રાષ્ટ્રીય બેઠકમાં રજૂ કરાયું હતું.