વોશિંગ્ટનઃ અમેરિકા હવે વિદેશીઓને ગ્રીન કાર્ડ નહી આપે અથવા તો એવું કહી શકાય કે હવે અમેરિકામાં ગ્રીન કાર્ડ લેવું મુશ્કેલ થવા જઈ રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસન 60 દિવસ બાદ એવો નિયમ લાવવા જઈ રહ્યું છે કે જેમાં આ પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ નિયમ અનુસાર અમેરિકામાં બહારથી આવેલા લોકોને ગ્રીન કાર્ડ નહી આપવામાં આવે અને ન તો તેમને અસ્થાયી રીતે જાહેર કોઈ વિઝાને વધારવાની મંજૂરી નહી આપવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે આની સૌથી વધારે અસર ભારતીયો પર પડશે.
આ નિયમ હેઠળ અમેરિકાના વહિવટીતંત્રએ એ લોકોને વીઝા અને ગ્રીન કાર્ડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે જે ગરીબ છે અને સરકારી સુવિધાઓનો ફાયદો લઈને અમેરિકામાં વસે છે. ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી સ્ટીફન મિલરની સલાહના આધારે તૈયાર કરવામાં આવેલો નવો નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે.
નોંધનીય છે કે, અમેરિકાના નિવાસીઓને અનાજ, આવાસ, ચિકિત્સા અને લોક કલ્યાણની અને અનેક સરકારી યોજનાઓનો લાભ મળે છે. આ સુવિધા ત્યાં જતાં વિદેશીઓ અને ત્યાં નિવાસની સ્થાયી મંજૂરી મેળવનારા વિદેશી મૂળના લોકોને પણ મળે છે. પરંતુ હવે વહિવટીતંત્ર વીઝા આપતાં પહેલા તપાસ કરશે કે અમેરિકા આવનારી વ્યક્તિ પોતાની જવાબદારી જાતે ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં. તેના માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે.
અમેરિકાના નાગરિક અને ઇમિગ્રેશન સેવાના કાર્યકારી નિદેશક કેન કુસીનેલી મુજબ આત્મનિર્ભર થવું અમેરિકાની જૂની પરંપરા છે. અમે તેને જ ફરી શરૂ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. થોડાક સમય બાદ તેનો લાભ અમેરિકાની ટેક્સ આપનારા લોકોને મળવા લાગશે. તેમને ટેક્સ ભરવાની સામે તમામ સરકારી સુવિધાઓ મળશે.
અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થામાં ફેરફાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતામાં સામેલ છે. તે કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં ઘટાડો કરવા માંગે છે. તેઓ ઈમિગ્રેશનને અમેરિકાના હિત માટે ઉપયોગમાં લેવા માંગે છે, ઈમિગ્રન્ટના હિતમાં નહીંફ મેક્સિકો સરહદે દીવાલનું નિર્માણ પણ ટ્રમ્પની આ જ નીતિનો હિસ્સો છે. તેના દ્વારા તે મેક્સિકોથી થતી ઘૂસણખોરી પર રોક લગાવવા માંગે છે. તેના માટે અમેરિકાની સંસદમાં લાંબા સમય સુધી ગતિરોધ થયેલો છે.