એલેક્ઝેન્ડ્રિયા: અમેરિકામાં 2016માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારના પ્રમુખ રહેલા પોલ મેનફોર્ટને 7 માર્ચના રોજ કર ચોરી અને બેંક છેતરપિંડી મામલે 47 મહિનાની જેલની સજા થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ મામલના વિશેષ વકીલ રોબર્ટ મુલરની તપાસ હેઠળ રાષ્ટ્રપતિના કોઈ સહયોગીને આપવામાં આવેલી આ સૌથી કઠોર સજા છે. જોકે, લોકોને એવી આશા હતી કે, 69 વર્ષીય રાજનીતિક સલાહકારને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે.
મેનફોર્ટને કડક સજા માટે મુલરના આહ્વવાન પર ઠપકો આપતાં ન્યાયાધીશે 19થી 24 વર્ષની જેલની સજા માટે સત્તાવાર માર્ગદર્શિકાઓને ‘અતિશય’ તરીકે વર્ણવ્યું હતું. પરંતુ મેનફોર્ટ પર આગામી સપ્તાહે એક મામલે સુનાવણી હાથ ધરાશે જેમાં તેને વધુમાં વધુ 10 વર્ષની સજા થઈ શકે છે. આ મામલે ન્યાયાધીશની ફરિયાદી પક્ષ પત્યે સહાનુભૂતિ પણ સ્પષ્ટ છે.
તમને જણાવી દઈએ કે, 2016માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયા પર હસ્તક્ષેપ કરવાનો આરોપ છે, અને આ મામલે મોટા પાયે તપાસ પણ ચાલી રહી છે. અમેરિકાના ગુપ્તવિભાગના પ્રમુખે કહ્યું છે કે, રશિયા અને ચીન સહિત વિદેશી શક્તિઓ દેશમાં 2020માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી શકે છે.