નવી દિલ્હી- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્કનો તેમનો પ્રવાસ રદ કરી દીધો છે. કારણ કે, ડેનમાર્કની મહિલા વડાપ્રધાને ગ્રીનલેન્ડ વેંચવાનો ઈન્કાર કરી દીધો છે. મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ અગાઉ ગ્રીનલેન્ડને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ટ્રમ્પના નિવેદન બાદ ડેનમાર્કની પીએમ મૈટે ફેડરિકસને કહ્યું કે, આ એક બકવાસ વિચાર છે.
મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, ડેનમાર્કના વડાપ્રધાનને ગ્રીનલેન્ડ વેંચવામાં કોઈ રસ નથી જેથી મેં ડેનિશ પીએમ સાથેની મુલાકાત સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે, ડેનમાર્કના નાગરિકો અદ્ભત છે અને આ એક ખાસ દેશ છે પરંતુ પીએમ મેટે ફ્રેડરિક્સને તેમના નિવેદનમાં કહ્યું કે, ગ્રીનલેન્ડની ખરીદીને લઈને ચર્ચામાં કોઈ રસ નથી, હાલ હું આ મુલાકાત સ્થગિત કરી રહ્યો છું.
ડેનમાર્કના વડાપ્રધાને કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ ડેનમાર્કની સંપત્તિ નથી જેથી હું તેને વેચી ન શકુ. મહત્વનું છે કે, વિશ્વના સૌથી મોટા દ્વિપ ગ્રીનલેન્ડ ડેનમાર્કનો એક સ્વાયત વિસ્તાર છે. તેમણે કહ્યું કે, ગ્રીનલેન્ડ ડેનિશ નથી. ગ્રીનલેન્ડ ગ્રીનલેન્ડના લોકોનું છે. હું આશા કરું છું કે, આને ખરીદવાના પ્રસ્તાવમાં કોઈ ગંભીરતા નહીં હોય.
જોકે, યૂએસ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદવાનો પ્રયત્ન થયો હોય તેવું આ પ્રથમ વખથ નથી થયું. અલાસ્કાને બદલે ગ્રીનલેન્ડની અદલા-બદલી નકારી કાઢ્યા બાદ 1946માં યૂએસ એ ગ્રીનલેન્ડ ખરીદવા માટે ડેનમાર્કને 100 મિલિયન ડોલર આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પાછળથી અમેરિકા ઉતરી ગ્રીનલેન્ડમાં એક એરબેઝની દેખરેખ કરવાના કરાર પર સહમત થયું. આ એરબેઝનો ઉપયોગ પહેલા લાંબા અંતરના બોમ્બરોના ઈંધણ ભરવા માટે થતો હતો.
ગ્રીનલેન્ડના પ્રવાસ દરમિયાન ડેનિશ વડાપ્રધાને કહ્યું કે, હવે રમુજમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. સારું છે કે, હવે એ સમય વિતી ગયો છે જ્યારે આપણે દેશોને ખરીદતા અને વેંચતા હતાં. હવે આને અહીં પર છોડી દો. મજાકની વાત અગલ છે પરંતુ અમે યૂએસ સાથે રણનીતિક ભાગીદારી મજબૂત કરવા પર કામ કરતા રહેશું