ચોનબુરીઃ થાઈલેન્ડના લીમ ચૂબાંગ પોર્ટમાં આજે એક જહાજના બોર્ડ પર કન્ટેનરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. આ આગની ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થઈ ગયાં છે. એક રિપોર્ટમાં આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એક જહાજ પર રાખવામાં આવેલા ડબાઓમાં વિસ્ફોટ થયો અને ઓછામાં ઓછા 25 શ્રમિકો ઘાયલ થઈ ગયા. ઘાયલ થયેલા તમામ શ્રમિકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનીકોના જણાવ્યા અનુસાર લોકોને ત્યાંથી તરત જ બહાર કાઢી લેવામાં આવ્યાં કારણ કે જે ડબ્બાઓમાં આગ લાગી હતી તે પૈકી કેટલાકમાં ખતરનાક રસાયણ ભરવામાં આવ્યું હતું.
જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી સમગ્ર ઘટનામાં કોઈનું મોત થયું હોવાના સમાચારો સામે આવ્યાં નથી. આ વિસ્તારમાં અત્યારે લોકોને માસ્ક પહેરવાની સૂચના આપી દેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચોનબુરી ક્ષેત્રમાં, કે જ્યાં વિસ્ફોટ થયો હતો, તેને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.
થાઈલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચાન-ઓ-ચા એ આંતરિક મંત્રાલયો અને સંબંધિત અધિકારીઓને આગ પર કાબૂ મેળવવા અને પ્રભાવિત લોકોની મદદ કરવાના આદેશો આપી દીધાં છે. કન્ટેનરની સામગ્રી અને વિસ્ફોટના કારણની જાણકારી મેળવવા માટે તાત્કાલિક તપાસ કરવામાં આવી રહી છે.