નવી દિલ્હી– ટ્રેનમાં સહયાત્રી સાથે હિન્દીમાં વાત કરવા પર એક છોકરી એટલી હદે નારાજ થઈ ગઈ કે, તેમણે સહયાત્રીને ગાળો આપવાનું શરુ કરી દીધું. જ્યારે આ વાતની જાણ ટ્રેનના કંડેક્ટરને થઈ તો તેમણે એ છોકરીને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધી. હવે લોકો મહિલા કંડક્ટરના ભરપૂર વખાણ કરી રહ્યાં છે. આ ઘટના ન્યૂઝીલેન્ડની છે.
મળતી માહિતી અનુસાર ન્યૂઝીલેન્ડના વેલિન્ગટન શહેરની ઉપરના હટ વિસ્તાર માટે મેટલિન્ક ટ્રેન ચાલે છે. આ ટ્રેનમાં એક ભારતીય મૂળની વ્યક્તિ તેમની પત્ની સાથે ફોન પર હિન્દીમાં વાત કરી રહ્યો હતો. આ જ વાત પર એમની બાજુમાં બેસેલી એક છોકરી એટલી હદે નારાજ થઈ ગઈ કે, તે ભારતીય મૂળના વ્યક્તિ પર રાડો પાડવા લાગી.
મીડિયા રિપોર્ટ અનુસાર છોકરીએ ભારતીય મૂળના વ્યક્તિને કહ્યું કે, તમારા દેશ પરત જતા રહો, અહીં તમારી ભાષામાં વાત ન કરો. આ દરમિયાન આ ઘટનાની જાણકારી ટ્રેનમાં બેસેલા કોઈ યાત્રીએ ટ્રેનની મહિલા કંડક્ટર જેજે ફિલિપને આપી દીધી. ફિલિપ તેમની પાસે પહોંચી અને ઘટના અંગે જાણકારી મેળવી. અનેક વખત ચેતવણી આપવા છતાં પેલી છોકરીએ ગુસ્સો કરવાનું બંધ ન કર્યું. ત્યારબાદ કંડક્ટરે છોકરીને તાત્કાલિક ટ્રેનમાંથી નીચે ઉતરવા કહ્યું. આ ઘટના બાદ મહિલા કંડક્ટર જેજે ફિલિપના લોકો વખાણ કરી રહ્યાં છે. એટલું જ નહીં વેલિગ્ટન મેયર જસ્ટિન લેસ્ટરે પણ મહિલા કંડક્ટરના વખાણ કર્યા છે અને શહેરનો સિવિક સેફ્ટી એવોર્ડ આપવાની પણ જાહેરાત કરી છે.