કોલંબો – શ્રીલંકાના રાજધાની શહેર કોલંબો તથા અન્ય બે શહેર નેગોમ્બો અને બેટ્ટીકેલોઆમાં આજે સવારે લગભગ 8.45 વાગ્યે જુદા જુદા 6 સ્થળોએ અને ત્યારબાદ બપોરે વધુ બે, એમ કુલ 8 સિરિયલ બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં માર્યા ગયેલાઓનો આંકડો 200ને પાર ગયો છે. આ ધડાકા ફાઈવ સ્ટાર હોટેલ્સ તથા ચર્ચને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યા હતા. મૃતકોમાં 35 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ધડાકાઓની જવાબદારી કોઈ ત્રાસવાદી સંગઠને સ્વીકારી નથી. પોલીસે અત્યાર સુધીમાં શંકાના આધારે 7 જણને પકડ્યા છે.
આ હુમલાઓમાં 3 ચર્ચ તથા 3 ફાઈવ સ્ટાર હોટેલને ટાર્ગેટ બનાવવામાં આવ્યાં છે. આજે ઈસ્ટર તહેવાર હોવાથી ખ્રિસ્તી લોકો ચર્ચમાં મોટી સંખ્યામાં સમૂહ પ્રાર્થના માટે એકત્ર થયા હતા.
બેટ્ટીકેલોઆ શહેરના એક ચર્ચમાં, કોલંબોના કોચ્છીકાડે વિસ્તારના સેન્ટ એન્થનીઝ ચર્ચમાં અને કાતુવાપીતીયાના સેન્ટ સેબેસ્ટીયન ચર્ચમાં ધડાકો થયો હતો. કોલંબોની જે ત્રણ ફાઈવ સ્ટાર હોટેલ્સમાં ધડાકા થયા હતા એના નામ છેઃ શાંગ્રીલાત, સિનામન ગ્રેન્ડ અને કિંગ્સબરી.
આ હુમલાઓમાં 450થી વધારે લોકો ઘાયલ થયા છે.
ઈસ્ટર સન્ડે માસ (સમૂહ પ્રાર્થના) પર્વ દરમિયાન લોકો ચર્ચમાં એકત્ર થયા હતા એ વખતે આ હુમલા કરવામાં આવ્યા હતા.
શ્રેણીબદ્ધ બોમ્બ હુમલાઓને કારણે શ્રીલંકાની સરકારે બેમુદત કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. કોલંબો શહેર સૈન્યને હવાલે કરી દીધું છે.
સરકારે તમામ મોટી સોશિયલ મિડિયા વેબસાઈટ્સ તથા મેસેજિંગ સેવાઓને બંધ કરાવી દીધી છે.
સવારે, 3 બોમ્બ વિસ્ફોટ ચર્ચની અંદર અને 3 વિસ્ફોટ હોટેલ્સની અંદર કરવામાં આવ્યા હતા.
એક ધડાકો કોલંબોના કોછીકાડે વિસ્તારમાં આવેલા સેન્ટ એન્થનીઝ ચર્ચમાં થયો હતો. જ્યારે સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ, બેટ્ટીકેલોઆ ચર્ચમાં પણ ધડાકા થયા હતા.
3 હોટેલ્સ અને એક ચર્ચ કોલંબોમાં આવેલા છે જ્યારે અન્ય બે ચર્ચ કોલંબોની હદની બહાર આવેલાં છે.
શ્રીલંકાના વડા પ્રધાન વિક્રમ રાનિલસિંઘેએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે અપરાધીઓને શોધી કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
હુમલાઓમાં કોઈ ભારતીયનું મરણ થયાનો હજી સુધી કોઈ અહેવાલ નથી. વિદેશ મંત્રાલય કોલંબોસ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંપર્કમાં છે.
બોમ્બ ધડાકાઓ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. એવી જ રીતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું.
બપોરે કોલંબોમાં વધુ બે બોમ્બ વિસ્ફોટ થયા
દરમિયાન, આજે બપોરે બીજા બે સ્થળે પણ બોમ્બ ધડાકા થયા હતા. સાતમો ધડાકો કોલંબોમાં રાષ્ટ્રીય પ્રાણીસંગ્રહાલયની બાજુની એક હોટેલમાં થયો હતો. થોડીક વાર બાદ કોલંબોમાં જ આઠમો ધડાકો થયો હતો. લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે,.