અમેરિકાના હવાઈદળના સહાયક-સચિવ તરીકે રવિ ચૌધરીની નિમણૂક

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય-અમેરિકન રવિ ચૌધરીએ ઈતિહાસ સર્જ્યો છે. એમની નિમણૂક યૂએસ એર ફોર્સના ઊર્જા, ઈન્સ્ટોલેશન્સ અને પર્યાવરણ વિભાગના સહાયક સચિવ તરીકે કરવામાં આવા છે. અમેરિકન સેનેટે 65 વિરુદ્ધ 29 મતોના તફાવતથી આ નિમણૂકને મંજૂરીની મ્હોર મારી દીધી છે.

મિનીઆપોલિસ શહેરના વતની રવિ ચૌધરી પેન્ટેગોનમાં આવું ટોચનું પદ મેળવનાર પહેલા ભારતીય-અમેરિકન બન્યા છે. એમની નિમણૂકનો પ્રસ્તાવ સેનેટર એમી ક્લોબુચરે રજૂ કર્યો હતો. એમણે કહ્યું હતું કે રવિ ચૌધરી પાસે એ પાત્રતા અને અનુભવ છે જે સહાયક સચિવના મહત્ત્વના પદ માટે આવશ્યક છે.

ચૌધરીએ આ પૂર્વે 1993-2015 વચ્ચે યૂએસ એર ફોર્સમાં એક્ટિવ ડ્યૂટી પાઈલટ તરીકે સેવા બજાવી હતી. એમણે અફઘાનિસ્તાન અને ઈરાકમાં અનેક યુદ્ધ મિશનોમાં ભાગ લીધો હતો. લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા બાદ પાંચ વર્ષ સુધી એમણે ફેડરલ એવિએશન વહીવટીતંત્રમાં જુદા જુદા પદ પર સેવા બજાવી હતી. એમને તે વખતના યૂએસ પ્રમુખ બરાક ઓબામાએ એશિયન અમેરિકન્સ અને પેસિફિક આઈલેન્ડર્સને લગતી બાબતો માટે પ્રમુખના સલાહકાર પંચમાં નિયુક્ત કર્યા હતા.