નવી દિલ્હી- જર્મનીની મુખ્ય વાહન નિર્માતા કંપની ફોક્સવેગનના ડીઝલગેટ કાંડનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર હાલ બેરોજગાર છે. 41 વર્ષીય હેમંત કપ્પન્નાએ 17 વર્ષથી વધુ સમય અમેરિકામાં વિતાવ્યો છે. તેમને જનરલ મોટર્સે તેમની કંપનીમાંથી છૂટા કરી દીધાં છે. હાલ હેમંત બેંગ્લુરુ સ્થિતિ તેમના ઘરે પરત આવી આવી ગયાં છે અને નવી નોકરીની શોધમાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2013માં હેમંત કપ્પન્ના અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં એક એન્જિનિયરિંગ સ્ટૂડન્ટની એક નાની ટીમનો હિસ્સો હતાં. આ ટીમના રિસર્ચ વર્કે Volkswagen ના ડીઝલગેટ કાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કાંડના પર્દાફાશ બાદ ફોક્સવેગને અમેરિકામાં 23 બિલિયન ડોલરનો દંડ ભર્યો હતો.
હેમંત કપ્પન્ના વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીમાં માર્ગટાઉનમાં અભ્યાસ કરી રહ્યા હતાં, જે ઓટો ઉત્સર્જન પર તેના સંશોધન માટે જાણીતી છે. અહીં પર તેમના પ્રોગ્રામ ડાયરેકટરે તેમને આંતરરાષ્ટ્રીય પરિવહન પરિષદમાંથી ગ્રાન્ટ એપ્લિકેશન પૂર્ણ કરવા કહ્યું હતું. આ કાઉન્સિલ એક નોન પ્રોફિટ ગ્રુપ હતું, જે અમેરિકામાં વેચાણ થતી જર્મન ડીઝલ કારનું ઉત્સર્જનનું પરિક્ષણ કરવા માગતુ હતું.
આ પરીક્ષણ દરમિયાન ઉત્સર્જનનો ડેટા એક્ત્ર કરવામાં આવી રહ્યો હતો અને અંતમાં જે પરિણામ આવ્યું તે ચોંકાવનારુ હતું. આ દરમિયાન ફોક્સવેગનની કાર કલ્પના પણ ન કરી શકીએ એટલા મોટા પ્રમાણમાં પ્રદૂષિત ઉત્સર્જન કરી રહી હતી. કપ્પન્ના અને તેમના સાથી વિદ્યાર્થીઓને પહેલા એ જાણકારી ન હતી કે, તે એક ગુનાના પુરાવાઓ એક્ત્ર કરી રહ્યાં છે. ફોક્સવેગનના એન્જિનિયરોએ કારમાં એક સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો જે પ્રદૂષણને કન્ટ્રોલ કરીને આંકડા દર્શાવતું હતું.
કપ્પન્ના, બેસ્ચ અન થિરુવેનગદમએ તેમના રિસર્ચનું પૂર્ણ કર્યા બાદ તૈયાર કરેલા દસ્તાવેજોને માર્ચ 2014માં સેન ડિએગોમાં યોજાનાર એક કોન્ફરન્સમાં રજૂ કર્યાં હતાં. આ દસ્તાવેજો સામેલ ડેટાએ કેલિફોર્નિયા એર રિસોર્સ બોર્ડ અને ઈપીએના અધિકારીઓને ચોંકાવી દીધી હતાં.
ત્યાર બાદ રેગ્યુલેટર્સે આ મામલે તપાસ શરુ કરી અની 18 મહિના બાદ ફોક્સવેગનને એ સ્વીકાર કરવા મજબૂર કરી કે, તેમણે વિશ્વભરમાં 11 મિલિયન ડીઝલ કારમાં બોગસ સોફ્ટવેરનો પ્રયોગ કર્યો છે. જેમાં માત્ર એકલા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં લગભગ 6 લાખ કાર શામેલ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આ ડીઝલ કારના ઉત્સર્જનથી લોકોના આરોગ્યને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે.
આજે આ મામલે ફોક્સવેગનના બે અધિકારીઓ અમેરિકાની જેલમાં સજા ભોગવી રહ્યાં છે. તો બીજી તરફ કપંનીએ અત્યાર સુધીમાં 33 બિલિયન ડોલરનો દંડ ચૂકવ્યો છે. આ મામલો દુનિયાની સામે ખુલ્લો પાડનારા ભારતીય એન્જિનિયર હેમંત કપ્પનાને ‘સ્ટ્રેટેજિક ટ્રાન્સફોર્મેશન’નું કારણ આપીને જનરલ મોટર્સે કંપનીમાંથી છૂટા કરી દીધા છે. હાલ કપ્પન્ના નવી નોકરીની શોધમાં છે, પરંતુ ઓટોમોબાઈલ સેક્ટરમાં આવેલી મંદીને કારણે હાલમાં તેમને નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે.