વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ચીનને લઈને તેમની આક્રમક વ્યાપાર નીતિથી અમેરિકાવાસીઓને થોડા સમય માટે આર્થિક મોરચે મુશ્કેલીઓ થઈ શકે છે. પરંતુ આ સાથે જ તેમણે એ વાત પર જોર આપ્યું કે દીર્ઘકાલીન મહત્વપૂર્ણ લાભની દ્રષ્ટિએ આ પગલાં ભરવા જરુરી છે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમને મંદીનો ડર નથી પરંતુ તે આર્થિક વૃદ્ધિને તેજ કરવા માટે કરોમાં કેટલાંક નવા ઘટાડા મામલે વિચાર કરી રહ્યાં છે.
શું ચીન સાથે વ્યાપાર યુદ્ધથી અમેરિકા મંદીમાં ફસાઈ શકે છે? આ સવાલને ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધો. ટ્રમ્પે આ પ્રકારની વાતોને અપ્રસાંગિક ગણાવ્યું અને કહ્યું કે ચીનને ઘેરવું જરુરી છે. આ આપણા દેશ માટે સારું અથવા ખરાબ હોય એ તો સમયની વાત છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એ સંકેત આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેમની પાસે શુલ્ક લગાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.
ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા પર મંદીનો કોઈ ખતરો નથી અને જો ફેડરલ રિઝર્વ નીતિગત વ્યાજદરમાં કપાત કરશે તો અર્થવ્યવસ્થામાં ઉછાળો આવવાની સંભાવના છે. ટ્રમ્પે કહ્યું કે આપણે મંદીથી ખૂબ દૂર છીએ. તેમણે કહ્યું કે વાસ્તવમાં ફેડરલ રિઝર્વ પોતાનું કામ કરશે, તો મને લાગે છે કે અર્થવ્યવસ્થામાં મજબૂતી આવશે.રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે પગારદારો પર આયકરમાં અસ્થાયી કપાત અને રોકાણથી મળેલા નફા પર સંઘીય કરોને ઈન્ફ્લેશનના અનુકૂળ બનાવવા પર વિચાર કરી રહ્યા છે. આનાથી આર્થિક વૃદ્ધિ તેજ થશે. ટ્રમ્પના નિવેદન પર વ્હાઈટ હાઉસના પ્રવક્તા જુડ ડીરેએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખને વિશ્વાસ નથી કે આપણે મંદી બાજુ આગળ વધી રહ્યાં છીએ કારણ કે તેમની મજબૂત નીતિઓના પ્રતાપે અર્થવ્યવસ્થા મજબૂત છે.