કોઈ ‘મની બેગ’થી ઓછા નથી ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો કેટલા અબજોના છે માલિક?

અમેરિકામાં નવા વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં પ્રમુખપદનો ચાર્જ સંભાળવા જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે. બિઝનેસમેન ટ્રમ્પનો બિઝનેસ રિયલ એસ્ટેટથી માંડી મીડિયા ટેક્નોલોજી સુધી વિસ્તરેલો છે. હાલમાં જ ક્રિપ્ટો માર્કેટમાં ઝંપલાવતાં બે મીમ કોઈન પણ લોન્ચ કર્યા છે. ટ્રમ્પ પાસે અબજો ડોલરના મેન્શનના માલિક હોવાની સાથે અનેક ગોલ્ફ ક્લબ ધરાવે છે.

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર, નવેમ્બર, 2024માં ટ્રમ્પ પાસે 7.7 અબજ ડોલર (અંદાજે રૂ. 64855 કરોડ)ની નેટવર્થ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા હતા. તે સમયે તેમની પાસે 4.5 અબજ ડોલરની સંપત્તિ હતી. પરંતુ રાષ્ટ્રપતિ બન્યા બાદ સંપત્તિ ઘટી 2020માં 2.1 અબજ ડોલર થઈ હતી. જો કે, રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં ફરી એકવાર ટ્રમ્પની સંપત્તિ વધી હતી. જે 2022માં 3 અબજ ડોલર અને 2024માં 7 અબજ ડોલર થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટ્રમ્પની મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપમાં 5.6 અબજ ડોલર સંપત્તિ છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ બિઝનેશમાં તેમની 1.1 અબજ ડોલર સંપત્તિ છે. ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટ સેક્ટરમાં 81 કરોડ ડોલર સંપત્તિ છે. જ્યારે તેમની પાસે રોડક 51 કરોડ ડોલર સંપત્તિ છે. ટ્રમ્પની કુલ નેટવર્થમાં સૌથી મોટો હિસ્સો ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રૂપનો છે. અનેક ગોલ્ફ ક્લબ, રિસોર્ટ્સ અને બંગલો પણ છે. ટ્રમ્પને રિયલ એસ્ટેટનો બિઝનેસ વારસામાં મળ્યો હતો. તેમના પિતા ન્યૂયોર્કના સૌથી સફળ રિયલ એસ્ટેટ ટાયકૂન પૈકી એક હતા. ટ્રમ્પે 1971માં પોતાના પિતાનો બિઝનેસ સંભાળ્યો હતો. બાદમાં તેનું વિસ્તરણ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના ભારતમાં પણ અનેક પ્રોજેક્ટ છે. પુણે અને મુંબઈમાં ટ્રમ્પ ટાવર તૈયાર થઈ ચૂક્યા છે. આ સિવાય ગુરૂગ્રામ અને કોલકાતામાં બે નવા ટ્રમ્પ ટાવર બની રહ્યા છે. ભારતમાં ઓછામાં ઓછા ચાર અને ટ્રમ્પ ટાવર બનાવવાની યોજના છે.

ટ્રમ્પ 1 કરોડ ડોલરની કિંમતના આલીશાન મહેલ જેવા મેન્શનમાં રહે છે. 20 એકર વિસ્તારમાં વિસ્તરેલા આ મેન્શનમાં 58 બેડરૂમ, 33 બાથરૂમ, 12 ફાયર પ્લેસ, એક સ્પા, સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ સામેલ છે. તદુપરાંત ટ્રમ્પ ન્યૂયોર્ક, મેનહટ્ટન સહિત સેન્ટ માર્ટિન, વર્જિનિયામાં પણ આલીશાન ઘર ધરાવે છે.  19 ગોલ્ફ કોર્સના માલિક ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફ રમવાના શોખીન છે. તેમની પાસે એરક્રાફ્ટ અને લકઝરી કારનું આકર્ષક કલેક્શન પણ છે. ટ્રમ્પ પાસે પાંચ એરક્રાફ્ટ છે. રોલ્સ રોયલ સિલ્વર ક્લાઉડથી માંડી મર્સિડિઝ બેન્ઝ સહિતની સેકડોં લકઝરી કારના માલિક છે.