વોશિંગ્ટન- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લેખિકા ઈ જીન કૈરોલ દ્વારા મૂકવામાં આવેલા યૌન શોષણના આરોપને ફરી એક વખત નકારી દીધા છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે તેનું યૌન શોષણ કર્યું નથી. કેમ કે તે તેમના ટાઇપની નથી. એલે મેગઝિનની કૉલમિસ્ટ કૈરોલે આરોપ મૂક્યો હતો કે 90ના દાયકાના મધ્યમાં ટ્રમ્પે એક કપડાંના સ્ટૉરના ડ્રેસિંગ રૂમમાં તેનું યૌન શોષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પર આવા આરોપ વારંવાર મૂકાતાં રહ્યા છે. અગાઉ બે મહિલાઓએ ભૂતકાળમાં ટ્રમ્પે તેમની સાથે અજુગતી ચેષ્ટાઓ કરી હોવાનો આરોપ મૂક્યો ત્યારે પણ ટ્રમ્પે પોતે આવી ફિગરલેસ મહિલાઓ તરફ નજર કરતાં નથી એવો નફ્ફટ જવાબ આપ્યો હતો.
મહિલા ખોટું બોલી રહી છે, હું ક્યારેય તેને મળ્યો જ નથી: ટ્રમ્પ
ટ્રમ્પે ‘ધ હિલ’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, કૈરોલ ખોટું બોલી રહી છે. પહેલી વાત તો એ કે તે મારા ટાઈપની નથી અને બીજી વાત કે આવું ક્યારેય બન્યું જ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યું, કૈરોલ તદ્દન ખોટું બોલી રહી છે. હું તેના વિશે કંઈ જ જાણતો નથી. આ એક ડર ઉભો કરનારી વાત છે કે લોકો આ રીતના નિવેદન આપે છે. હું તેના વિશે કંઈ જ જાણતો નથી.
મહિલાનો આરોપ, ડ્રેસિંગ રૂમમાં ટ્રમ્પે બળજબરી કરી
આ પહેલાં સીએનએનને આપેલાં ઇન્ટરવ્યૂમાં કૈરોલે કહ્યું હતું કે ટ્રમ્પે મને દીવાલ તરફ એટલી જોરથી ધક્કો માર્યો હતો કે મારું માથું જોરથી ભટકાયું હતું. મેનહટ્ટનના બર્ગડૉર્ફ ગુડમેન સ્ટોરના ફિટિંગ રૂમમાં મેં ટ્રમ્પના આક્રમક વ્યવહારનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
કૈરોલે કહ્યું હતું કે આ ઘટના 1995ના અંત અથવા 1996થી શરૂઆતમાં બની હતી. ટ્રમ્પે મને એક ડ્રેસ પહેરવા માટે કહ્યું હતું, તેઓ આ ડ્રેસને ખરીદવા માગતા હતા. ત્યારે તેમના લગ્ન માર્લા મેપલ્સ સાથે થયા હતાં. કૈરોલે વધુમાં કહ્યું હતું કે જેવો તેમણે દરવાજો બંધ કર્યો મારું માથું દીવાલ સાથે ખરાબ રીતે અથડાયું હતું. હું કહેવા માગું છું કે મહિલાઓ જાણી લે કે હું ત્યાં ઉભી રહી નહોતી. હું જડ નહોતી બની ગઈ અને મને લકવો નહોતો મારી ગયો. આ પ્રતિક્રિયા ફક્ત એટલા માટે હતી કે આ ઘટના ખૂબ ચોંકવાનારી હતી અને મેં તેનો સામનો કર્યો હતો.
ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પ પર યૌન શૌષણનો આરોપ લાગ્યો હતો
2016મા રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન પણ એક મહિલાએ ટ્રમ્પ પર યૌન શૌષણનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ કહ્યું હતું કે વિમાન પ્રવાસ દરમિયાન ટ્રમ્પે તેની સાથે યૌન શોષણ કર્યું હતું. ટ્રમ્પે આ આરોપો અંગે કહ્યું હતું કે તે મહિલા મારી પહેલી પસંદ નહોતી. તેના ફેસબૂક પેજની મુલાકાત લો, તમને બધું જાતે જ ખબર પડી જશે.