તહેરાન: ગયા વર્ષે ઇરાનમાં હિજાબને કારણે મહસા અમીનીનું મોત થયું હતું. ત્યાર બાદ અહીં મોટે પાયે વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. આ વિરોધ પ્રદર્શનોને જોતાં લાગતું હતું કે અહીં સ્થિતિ બદલાશે. અહીં મહિલાઓને જબરદસ્તી હિજાબ નહીં પહેરાવવામાં આવે, પણ મહિલા પોતાની મરજીથી હિજાબ પહેરશે, પરંતુ થયું છે એનાથી ઊલટું. અહીં એક વાર ફરી મોરાલિટી પોલિસિંગ શરૂ થઈ છે. અહીં ડ્રેસ કોડને સખતાઈથી લાગુ કરવામાં આવશે.
ઇરાન સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે હિજાબ કાયદાને લાગુ કરવા માટે મોરેલિટી પોલીસ ફરી રસ્તા પર ઊતરશે. એ પહેલાં વર્ષ 2022માં જ્યારે ઇરાનમાં હિજાબની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં હતાં, ત્યારે એ કહેવામાં આવતું હતું કે હવે અહીંથી પોલીસ દૂર કરવામાં આવશે, પણ ઇરાન સરકારે એ વાતથી ઇનકાર કર્યો હતો. વાસ્તવમાં શરિયા કાનૂન મુજબ કાનૂન છે. એમાં જણાવ્યા મુજબ મહિલાઓએ જાહેર સ્થળોએ માથું ઢાંકવાનું અને ઢીલાં વસ્ત્રો પહેરવાનું રહેશે. મોરેલિટી પોલીસે એ જુએ છે કે મહિલાઓ આ નિયમનું પાલન કરે છે કે નહીં. પોલીસ એ પણ ધ્યાન રાખે છે કે મહિલાઓ ઘરથી બહાર નીકળે તો હિજાબ પહેરીને નીકળે.
ઇરાનની મોરેલિટી પોલીસ રસ્તાઓ પર મહિલાઓને ઇસ્લામિક ડ્રેસ કોડનું પાલન કરાવશે. જોકોઈ મહિલા શરિયા ડ્રેસ કોડનું પાલન નહીં કરે તો એના પર શરિયા કાનૂનના હિસાબે કાર્યવાહી કરવામાં આવશે.
શું છે મામલો?
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઇરાનના તહેરાનમાં ઠીકથી હિજાબ નહીં પહેરવા બદલ મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ત્યાર બાદ ઇરાનમાં મોટે પાયે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ત્યાર બાદ અહીંની પોલીસ અને દેખાવકારો વચ્ચે થયેલા ઘર્ષણમાં 600 દેખાવકારોનાં મોત થયાં હતાં.