બેઈજિંગ: ડોકલામમાં તણાવ બાદ પડોશી દેશ ચીન સતત ભારતની લાગુ પડતી સરહદો નજીક તેમની સૈન્ય તાકત વધારવા કામે લાગ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં નવા વર્ષના ભાષણમાં દક્ષિણ ચીન મુદ્દે ચીનની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું આહ્વાન કર્યુ હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ચીન તિબેટમાં યુદ્ધ જેવી તૈયારીમાં લાગ્યું છે. એવા પણ અહેવાલો છે કે, ભારતની નજીક આવેલી તિબેટ બોર્ડર પર પોતાની સેનાને મોબાઈલ હોવિત્ઝર ટેન્કો સાથે ખડકી દીધી છે.
મહત્વનુ છે કે ચીનની આર્મીમાં અત્યંત હળવી એવી હોવિત્ઝર યુદ્ધ ટેન્કનો હાલમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. હિમાલયની પવર્તમાળાથી નજીક તિબેટ સરહદે ચીને પોતાનો સૈન્ય કાફલો ખડક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. આ તોપ ઊંચાઈ પર પણ ચઢી શકવા સક્ષમ છે અને તે ધાર્યું નિશાન તાકવા માટે પણ અનુકૂળ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ચીનના પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તિબેટના સ્વાયત્ત પ્રદેશમાં સતત ચાંપતી નજર રાખી રહી છે. અને તેમની પાસે સરળતાથી પરિવહન કરી શકાય તેવી મોબાઈલ હોવિત્ઝર ટેન્કો છે તેમ મીડિયા અહેવાલોમાં ટાંકવામાં આવ્યું છે. આ ટેન્કોથી ઊચ્ચ પર્વતીય વિસ્તારમાં પણ ચીનની ક્ષમતા અનેક ગણી વધી જાય છે તેમજ તે સરહદ પર ફરી ચંચૂપાત કરે તેવી પ્રબળ શક્યતા રહેલી છે.
અહેવાલમાં ચીનના મિલિટરી એનાલિસ્ટ્સને ટાંકીને જણાવ્યું હતું કે, આ નવા સાધનોમાં PLC 181 પણ છે જેને અન્ય વાહન પર લાદીને લઈ જઈ શકાય છે. નોંધનીય છે કે આ હોવિત્ઝરનો ઉપયોગ અગાઉ 2017માં ચીન અને ભારત વચ્ચે થયેલા ડોકલામ વિવાદમાં પણ કરવામાં આવ્યો હતો. ડોકલામમાં ચીનની સેના દ્વારા રોડ બાંધવાના મામલે ભારત અને ભૂતાને વિરોધ કરતા 75 દિવસથી વધુ સમય સુધી ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. સૂત્રોના મતે ચીનની હોવિત્ઝર ટેન્ક 50 કિલોમીટરથી વધુની રેન્જમાં લેસર તેમજ સેટેલાઈટ વડે કરાયેલા હુમલાને તોડી પાડવામાં સક્ષમ છે. આ ટેન્કની મદદથી ઊંચાઈવાળા વિસ્તારમાં ચીનની સેના વધુ મજબૂત બનશે.
મોબાઈલ હોવિત્ઝર ટેન્કની ખાસીયતો
ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પાસે રહેલા ટેન્કોના કાફલા પૈકી આ સૌથી ઓછું વજન ધરાવતી લાઈટ વેઈટ ટેન્ક છે. ટાઈપ 15, 1,000 હોર્સ પાવરનું એન્જિન ધરાવે છે. અન્ય વાહનમાં લાદીને ટેન્કની હેરફેર થઈ શકે છે. 32 35 ટન વજન સાથેની આ ટેન્ક હિમાલય સહિતના પર્વતીય વિસ્તાર પર પણ કામ કરી શકે છે.