અમેરિકામાં લાગેલી આગથી અબજો ડોલરનું નુકસાન થયું. આ સાથે હજારો એકર જંગલોનો નાશ થયા સાથે, ઘણા પ્રાણીઓના મોત થઈ ચૂક્યા છે. આ તબાહીમાં લોકોની સંપત્તીનું નુકસાન અને સંશાધનોને નુકસાનના કારણે અમેરિકાની ચિંતામાં વધારે થયો છે. અમેરિકાના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય કેલિફોર્નિયાના લોસ એન્જેલસના જંગલોમાં ભડકેલી આગ છે. લોસ એન્જેલસના અલગ અલગ વિસ્તારોમાં દોઢ લાખથી વધારે લોકો વિસ્થાપિત થઈ ગયા છે. 12 હજારથી વધારે મકાનો ખાખ થઈ ગયા છે. આ સિવાય હજારોની સંખ્યામાં ઈમારતો અને સંપત્તીને નુકસાન થયું છે. આ સ્થિતિ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓનું માનવું છે કે, સામાન્ય રીતે કેલિફોર્નિયામાં જૂન-જુલાઈમાં સુકા વાતાવરણમાં જંગલોમાં આગ ફાટી નીકળવાની ઘટના બનતી હોય છે. ક્યારેક ઑક્ટોબર સુધી આવી સ્થિતિ ખેંચાયેલી જોવા મળે છે પણ આ વખતે જાન્યુઆરીમાં આગ લાગવાની ઘટના બની છે જે ખરેખર ચિંતાજનક છે. હવામાન અને વાતાવરણમાં થઈ રહેલા અગમ્ય ફેરફારો જંગલો અને સજીવ સૃષ્ટી માટે જોખમી બની રહ્યા છે. અમેરિકાના કલાઈમેટમાં થઈ રહેલા નાટકિય ફેરફારો તેને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે. બરફના તોફાનો, વાવાઝોડા અને હવે સુકા વાતાવરણના કારણે દાવાનળ ફાટવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
કેલિફોર્નિયાના લોસ એન્જેલસ ખાતેના જંગલોમાં વ્યાપક નુકસાન થયું છે. 60 ટકા જંગલ વિસ્તાર બળી ગયો છે અને આ ભિષણ આગને હજી સુધી રોકી શકાઈ નથી. 7 જાન્યુઆરીથી શરૂ થયેલું આગનું તાંડવ 10 જાન્યુઆરી સુધીમાં અબજો ડોલરની સંપત્તી, સંસાધનને સ્વાહા કરી ગયું છે. દોઢ લાખ લોકો ઘર વગર વિસ્થાપિત થઈ ગયા છે. તે સિવાય અંદાજે બે લાખ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. તે સિવાય કુલ 1.9 કરોડ લોકોને આગની ચેતવણી આપીને એલર્ટ રહેવાના આદેશો અપાયા છે. આગ કોઈપણ રીતે ધીમી નહીં પડે કે કાબુમાં નહીં આવે તો ભારે નુકસાન જવાનું છે. આગના કારણે 10 હજાર કરતા વધારે મકાનો બળીને ખાખ થઈ ગયા છે. હાલમાં આગને કારણે 4.50 લાખ મકાનોને અસર થવાની ભીતી છે. આ ઉપરાંત આ મકાનો બનાવવા માટે 300 અબજ ડોલર જેટલો તોતિંગ ખર્ચો આવશે. હાલમાં અમેરિકાનું દેવું 36 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. આ આગને કારણે નુકસાન વધતું જશે તો અમેરિકા ઉપર આર્થિક ભારણ વધશે. હાલમાં અમેરિકા દરરોજ 2 અબજ ડોલર વ્યાજ ચુકવી રહ્યું છે. આ સ્થિતિ ચાલુ રહી તો આગામી દાયકામાં અમેરિકાનું દેવું 55 ટ્રિલિયન ડોલર પહોંચી જાય તેમ છે. તેના કારણે અમેરિકા આર્થિક ભીસમાં મુકાય તેમ દેખાઈ રહ્યું છે.