ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કરનાર રયાન રાઉથની ધરપકડ

ફ્લોરિડાઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલાં ફરી એક વાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાના પ્રયાસ થયા હતા. ફ્લોરિડામાં તેમના પર ગોલ્ફ કોર્સમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે જોકે તેઓ બચી ગયા છે. આ કેસમાં 58 વર્ષના રયાન વેલ્સની સિક્રેટ સર્વિસના એજન્ટ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પહેલાં પેનસેલ્વેનિયામાં થયેલી હુમલામાં તેમની પર હુમલો થયો હતો, જેમાં ગોળી તેમના કાન પાસેથી નીકળી હતી.

સુરક્ષા એજન્સીએ હુમલાખોરની ઓળખ 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથ તરીકે કરી છે. રાઉથનો લાંબો ગુનાહિત રેકોર્ડ છે અને તે સોશિયલ મીડિયા પર સતત રાજકારણ વિશે પોસ્ટ કરતો રહે છે. પૂર્વ પ્રમુખ પર થયેલા આ હુમલાની અમેરિકન પ્રમુખ જો બાઈડને નિંદા કરી છે અને સુરક્ષા એજન્સીઓને તપાસના આદેશ આપ્યા છે.

રાઉથની લિંકડિન પરથી મળેલી માહિતી પ્રમાણે તેણે નોર્થ કેરોલિના એગ્રિકલ્ચરલ એન્ડ ટેક્નિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. લિંકડિન પર રાઉથે ખુદને ‘મશીનરી માઈન્ડેડ’ અને નવા ઈન્વેન્શન અને વિચારોનો સમર્થક ગણાવ્યો છે. રાઉથ 2018થી હવાઈમાં રહે છે અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોના લાંબા સમયથી સમર્થક છે. તેણે 2019થી ડેમોક્રેટિક ઉમેદવારોને ડોનેશન આપ્યું છે. ફેડરલ ઈલેક્શન કમિશન (FEC) ફાઇલિંગ પ્રમાણે તેણે સપ્ટેમ્બર 2020માં ફંડરેઈઝિંગ પ્લેટફોર્મ એક્ટબ્લુને 140 ડોલરનું દાન આપ્યું હતું.

આ હુમલા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ પણ કિંમતે ઝૂકવાના નથી. તેણે તેમના સમર્થકોને ઈમેલ દ્વારા લખ્યું હતું કે હું સુરક્ષિત છું. હવે કોઈ અવરોધ મને રોકી શકશે નહીં, યાદ રાખો કે હું ક્યારેય આત્મસમર્પણ નહીં કરું. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા હેરિસે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી.