બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓનો સિલસિલો યથાવતિ્ છે. તાજેતરમાં જ બલૂચિસ્તાની બળવાખોરોએ જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરી હતી, અને તે ઘટનાના આઘાતમાંથી પાકિસ્તાની સેના હજી બહાર આવી નથી. એ દરમિયાન આજે ફરી એકવાર શાહબાઝ શરીફના શાસનમાં દેશની સેનાને ભારે ધક્કો પહોંચ્યો છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર IED બ્લાસ્ટથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઘણાં જવાનો ઘાયલ થયા હોવાની જાણકારી સૂત્રો દ્વારા મળી રહી છે, હાલ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
શુક્રવારે બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો હતો. સંગઠનના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ તેમની માગણીઓ ન સ્વીકારતાં તમામ 214 બંધકોને મારી નાખ્યા હતા. BLAએ અગાઉ પાકિસ્તાની સેનાને કેદીઓની અદલાબદલી માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. BLAના આ દાવાથી પાકિસ્તાન સરકાર અને સેના દબાણમાં આવી ગઈ છે. પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ શુક્રવારે નિવેદન આપ્યું હતું કે બલૂચિસ્તાન ટ્રેન હુમલામાં 26 બંધકો માર્યા ગયા હતા, જેમાંથી 18 સુરક્ષાકર્મીઓ, 3 સરકારી અધિકારીઓ અને 5 નાગરિકો હતા. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે ઓપરેશન દરમિયાન 33 બલૂચ બળવાખોરોને મારી નાખવામાં આવ્યા હતા, પરંતુ BLAના દાવાઓને કારણે પાકિસ્તાનના દાવા પર શંકા ઉભી થઈ છે.
