પ્રાગ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગમાં 15નાં મોત, 20 ઘાયલ

પ્રાગઃ સેન્ટ્રલ પ્રાગ યુનિવર્સિટીમાં એક બંદૂકધારીના અંધાધૂધ ગોળીબારમાં 15થી વધુ લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ગોળીબાર કરનાર ચાર્લ્સ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સનો 24 વર્ષીય વિદ્યાર્થી હતો. આ હુમલાખોરનો મૃતેદહ પણ આ ઘટનાસ્થળેથી મળ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું. જોકે આ વિદ્યાર્થીએ પોતાના પિતાને પ્રાગની પશ્ચિમે આવેલા હોસ્ટન ગામમાં ગોળી મારીને હત્યા કરી હતી.

ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક યુનિવર્સિટીમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે એક વિદ્યાર્થીએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના કારણે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં પોલીસે કહ્યું કે શૂટર માર્યો ગયો છે. જોકે પોલીસે આરોપીની ઓળખ જાહેર કરી નથી. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા લોકોમાં આરોપી શૂટર પણ સામેલ હતો. પોલીસના જણાવ્યા અનુસાર હાલ આખી ઇમારતને ખાલી કરાવવામાં આવી છે. પ્રાગના ઓલ્ડ ટાઉન નજીક ચાર્લ્સ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગમાં આ ગોળીબાર થયો હોવાનું કહેવાય છે.

પોલીસે X પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું હતું કે ફાયરિંગ બાદ વિદ્યાર્થીએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. પોલીસે સ્થાનિક લોકોને નજીકના વિસ્તારોમાં ન જવા અને ઘરમાં જ રહેવા જણાવ્યું હતું. આ ગોળીબાર બાદ પ્રાગ શહેર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આસપાસના લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. લોકો ગભરાટમાં છે. જોકે  ફાયરિંગ બાદ પોલીસે હુમલાખોરને માર્યો હોવાની પુષ્ટિ કરી હતી.

આ ઘટના અંગે મંત્રી વિટ રાકુસને મિડિયાને જણાવ્યું હતું કે ગોળી મારનાર વ્યક્તિનું મોત થઈ ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળે અન્ય કોઈ બંદૂકધારીની હાજરીની પુષ્ટિ થઈ નથી. હવે કોઈ ખતરો નથી. તેમણે નજીકના લોકોને અધિકારીઓને સહકાર આપવા કહ્યું હતું. પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ કહ્યું કે ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગને ખાલી કરાવવામાં આવ્યો છે. પોલીસે વિસ્તારને સીલ કરી દીધો છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.