ICC ની મોટી જાહેરાત: આગામી 12 ટુર્નામેન્ટ્સનું શિડ્યુલ જાહેર

ક્રિકેટ જગતના ચાહકોમાં આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2027 અને એક દિવસીય વિશ્વ કપ 2027 ને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ બંને મોટા ક્રિકેટ આયોજનોને હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે તેનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. દરમિયાન, ચાહકોના ઉત્સાહને વધુ બેવડાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા આગામી સમયના 12 મોટા ટુર્નામેન્ટની તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા વર્ષ 2028 થી 2035 વચ્ચેના 7 વર્ષના સમયગાળા દરમિયાન પુરૂષ ક્રિકેટના વિશ્વ કપ અને ચેમ્પિયન્સ ટ્રૉફી જેવા દિગ્ગજ આયોજનોની સમયમર્યાદા ખુલ્લી મૂકવામાં આવી છે.

ગત રવિવારે, 15 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ ઇન્ડોનેશિયાના બાલી ખાતે મળેલી બેઠકમાં આગામી પુરૂષ ટુર્નામેન્ટોની અવધિ અને સમય વિન્ડો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તેના પર મહોર મારવામાં આવી હતી. આ આયોજનોમાં વર્ષ 2028માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ખાતે યોજાનારા ટી-20 વિશ્વ કપથી લઈને વર્ષ 2035ના એક દિવસીય વિશ્વ કપ સુધીના તમામ મુકાબલા સામેલ છે. જોકે, આ દરમિયાન વર્ષ 2032 થી 2035 વચ્ચેના સમયગાળામાં યોજાનારા 2 ટી-20 વિશ્વ કપ, 2 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ તેમજ એક-એક ચેમ્પિયન્સ ટ્રૉફી અને વિશ્વ કપની યજમાની કોના ફાળે જશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

ભારતમાં ક્યારે રમાશે વિશ્વ કપ?

સૌપ્રથમ વાત કરીએ ભારતમાં યોજાનારી સ્પર્ધાઓની, તો વર્ષ 2028 થી 2035 દરમિયાન પ્રવર્તમાન યોજના અનુસાર ભારતમાં ચેમ્પિયન્સ ટ્રૉફી 2030 અને એક દિવસીય વિશ્વ કપ 2031 નું આયોજન થવાનું છે. આ બંને ટુર્નામેન્ટ ઓક્ટોબર અને નવેમ્બર મહિના દરમિયાન રમાશે. ચેમ્પિયન્સ ટ્રૉફી 2030 નું આયોજન આગામી 9 થી 28 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવશે. જ્યારે વર્ષ 2031 ના વિશ્વ કપ માટે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ વિશ્વ કપમાં ભારતની સાથે બાંગ્લાદેશ પણ સહ-યજમાન તરીકે રહેશે.

આ નિર્ધારિત સમયગાળા દરમિયાન કઈ સ્પર્ધા ક્યારે અને ક્યાં રમાશે તેની વિગતવાર યાદી નીચે મુજબ છે:

  • વર્ચ 2028: ટી-20 વિશ્વ કપ | યજમાન: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ | તારીખ: 12 ઓક્ટોબર – 12 નવેમ્બર

  • વર્ષ 2029: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ | યજમાન: ઇંગ્લેન્ડ | તારીખ: 8 – 12 જૂન

  • વર્ષ 2029: ચેમ્પિયન્સ ટ્રૉફી | યજમાન: ભારત | તારીખ: 9 ઓક્ટોબર – 28 ઓક્ટોબર

  • વર્ષ 2030: ટી-20 વિશ્વ કપ | યજમાન: ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ | તારીખ: 4 જુલાઈ – 4 ઓગસ્ટ

  • વર્ષ 2031: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ | યજમાન: ઇંગ્લેન્ડ | તારીખ: 12 – 16 જૂન

  • વર્ષ 2031: એક દિવસીય વિશ્વ કપ | યજમાન: ભારત, બાંગ્લાદેશ | તારીખ: 9 ઓક્ટોબર – 23 નવેમ્બર

  • વર્ષ 2032: ટી-20 વિશ્વ કપ | યજમાન: (હજુ નક્કી નથી) | તારીખ: 14 ઓક્ટોબર – 14 નવેમ્બર

  • વર્ષ 2033: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ | યજમાન: (હજુ નક્કી નથી) | તારીખ: 9 – 13 જૂન

  • વર્ષ 2033: ચેમ્પિયન્સ ટ્રૉફી | યજમાન: (હજુ નક્કી નથી) | તારીખ: 2 – 23 ઓક્ટોબર

  • વર્ષ 2034: ટી-20 વિશ્વ કપ | યજમાન: (હજુ નક્કી નથી) | તારીખ: 6 જુલાઈ – 6 ઓગસ્ટ

  • વર્ષ 2035: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ | યજમાન: (હજુ નક્કી નથી) | તારીખ: 7 જૂન – 11 જૂન

  • વર્ષ 2035: એક દિવસીય વિશ્વ કપ | યજમાન: (હજુ નક્કી નથી) | તારીખ: 2 ઓક્ટોબર – 18 નવેમ્બર