ભારતીય ટીમ એડિલેડ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હારી ગઈ હતી. તે મેચ દરમિયાન ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટેલિયન બેટર ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઈને ICCએ હેડ અને સિરાજ બંનેને દંડ ફટકારવામાં આવ્યો હતો. અને બંનેને એક-એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. હવે ભૂતપૂવ ભારતીય સ્પીનર હરભજન સિંહ સિરાજને મળેલી સજાથી નારાજ થઈને મોટુ નિવેદન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હરભજન સિંહે ICC દ્વારા સિરાજ અને ટ્રેવિસ હેડને આપવામાં આવેલી સજા અંગે કહ્યું હતું કે, ‘મારા મતે ICC હવે ખેલાડીઓ પ્રત્યે ખૂબ કડક થઈ ગઈ છે. આ બધી બાબતો મેદાનમાં થતી રહેતી હોય છે. વ્યક્તિએ તેને ભૂલીને આગળ વધવું જોઈએ. ખેલાડીઓએ એકબીજા સાથે વાત કરીને સમાધાન કરી લીધું હતું. પરંતુ ICCએ ખેલાડીઓ સામે કાર્યવાહી કરી હતી. હવે ચાલો આગળ વધીએ અને બ્રિસ્બેનમાં રમાનારી ટેસ્ટ મેચ અંગે વિચારીએ. બહુ થયું હવે બધું ભૂલી જવું જોઈએ.’
એડિલેડ ટેસ્ટ દરમિયાન સિરાજ અને હેડ વચ્ચે બોલાચાલી થઈ હતી. હેડને આઉટ કર્યા પછી સિરાજે તેને ગુસ્સામાં પેવેલિયન પરત ફરવાનો સંકેત આપ્યો. પેવેલિયનમાં પરત ફરતી વખતે હેડે પણ સિરાજને કંઈક કહ્યું હતું. આ મામલે સિરાજને ICCએ આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ગણાવ્યો છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવે છે. હેડને આચારસંહિતાની કલમ 2.13ના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મુજબ ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફ સામે ગેરવર્તન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે. સિરાજ અને હેડે મેચ રેફરી રંજન મદુગલેની સામેના આરોપો સ્વીકારીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આજ કારણ હતું કે સુનાવણીની જરૂર પડી ન હતી. આ સ્થિતિમાં ICCએ બંનેને દોષિત માન્યા અને સજા આપી હતી.
