સુરત: ગુજરાતમાં પ્રેમ કરીને પ્રપંચ કરવાની ઘટના અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. સુરત શહેરમાં પણ એવું જ કંઈક બન્યું, 30 વર્ષીય યુવકને પ્રેમનું પરિણામ દગો મળ્યોને અંત યુવક વીડિયો બનાવી વ્યથા ઢાલવી પોતાના જીવનને ટૂંકાવી દીધું.મૃતકે આપઘાત કરતા પહેલાં વીડિયો બનાવ્યો હતો અને વીડિયોમાં તેણે પૂર્વ પત્ની શીતલ પર આપઘાત માટે દુષ્પ્રેરણાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે આરોપીના દાવા અનુસાર, તેની પૂર્વ પત્ની અને પ્રેમીની ધરપકડ કરી અન્ય 10 આરોપીઓની શોધખોળ કરી આ મામલે તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં 30 વર્ષીય વેપારી જયદીપ સાટોડિયાના આપઘાતે ચકચાર મચાવી છે. જયદીપે ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા પહેલાં એક વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં તેણે પૂર્વ પત્ની શીતલ રાઠવા અને તેના સાથીઓ પર માનસિક ત્રાસ આપી આપઘાત માટે દુષ્પ્રેરણા કરવાનો આરોપ લગાવ્યો. ઉત્રાણ પોલીસે શીતલ અને તેના કથિત પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરની ધરપકડ કરી, અન્ય 10 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
જયદીપે 2023માં શીતલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નજીવનમાં વારંવાર ઝઘડા થતા. વીડિયોમાં જયદીપે જણાવ્યું, “શીતલે મને અને મારા પરિવારને હેરાન કર્યા. તેણે ખોટા કેસ કરાવ્યા, ઘરે આવી ધમકીઓ આપી. મારી હિંમત તૂટી ગઈ.” તેણે શીતલના આગ્રહ પર અન્ય સગાઈ તોડી લગ્ન કર્યા હોવાનું પણ ઉલ્લેખ્યું, પરંતુ શીતલે તેની “જિંદગી બગાડી નાખી.” જયદીપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી કે, “પુરુષો માટે પણ કાયદો બનાવો, જેથી અમારે મરીને સાચું સાબિત ન કરવું પડે.”
જયદીપના આપઘાતના સમાચાર મળતા જ તેની પૂર્વ પત્ની શીતલ અને તેનો પ્રેમી નવસારી ખાતે એક હોટલમાં છુપાઈ ગયા હતા. પોલીસે નવસારીની હોટલમાંથી બન્નેને ઝડપી પાડ્યા હતા. સાથે જ અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. યુવકે આપઘાત પહેલા સુસાઇડ નોટ અને મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો. જયદીપે એક વાર નહીં પણ ત્રણ વાર આપઘાત કરવાના પ્રયત્ન કર્યા હતા કેમ કે તેના મોબાઈલમાંથી ત્રણ વીડિયો મળ્યા છે. બે વખત અગાઉ પણ તેણે વીડિયો બનાવ્યા હતા પરંતુ ત્યારે તેને આપઘાત કરવાની હિંમત થઈ ન હતી. જોકે ત્યાર બાદ યુવક પર ફરી ત્રાસ વધતા તેણે વીડિયો બનાવી આપઘાત કરી લીધો હતો. આ વીડિયો સમગ્ર કેસમાં મહત્વનો સાબિત થયો છે, જેના આધારે પોલીસે 12 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જયદીપની મોપેડમાંથી સ્યુસાઇડ નોટ મળી, જેમાં શીતલના માનસિક ત્રાસની વિગતો હતી. ઉત્રાણ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આપઘાત માટે દુષ્પ્રેરણા) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ ઘટનાએ સમાજમાં પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અને કાનૂની રક્ષણના મુદ્દે ચર્ચા જગાવી છે.
