અમદાવાદ: ગુજરાત યુનવિર્સિટીની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. યુનિવર્સિટીની બેદરકારીને કારણે, 150થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા જારી કરવામા આવેલ ડિગ્રી સર્ટીફિકેટમાં કોલેજનું નામ ખોટું છાપવામાં આવ્યું છે, જેથી માસ્ટર્સ અને વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓના એડમિશન અટક્યાં છે. જે ગુજરાત યુનિવર્સિટીમાં અધિકારીઓની ગંભીર બેદરકારી દર્શાવે છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 150 વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટી આપવામાં આવ્યું હતું. આ સર્ટીમાં કોલેજનું નામ ખોટું લખાયું હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાંધીનગરની ગોયન્કા કોલેજનું નામ ડિગ્રી સર્ટીમાં ખોટું પ્રિન્ટેડ થયું છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની ગંભીર બેદરકારીના કારણે કોલેજનું નામ Goyanka Research institute of dental science છપાયું હતું. જ્યારે સાચું નામ Goenka Research institute of dental science છે.
આમ કોલેજના ખોટા નામના કારણે માસ્ટર્સ અને વિદેશમાં અભ્યાસ માટે જનારા અનેક વિદ્યાર્થીઓના એડમિશન અટક્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.