અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઠોર અને વધતા ટ્રાફિકને લઈ કરવામાં આવેલી પિટીસન પર સુનવણી ચાલી રહી છે. જ્યારે ગતરોજ 8 ઑક્ટોબરના અધિકારીઓને 15 દિવસની અંદર ટુ-વ્હીલર સવાર, જેમાં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટના નિયમનો કડક અમલ શરુ કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. ચીફ જસ્ટિસે જાહેરનામું બહાર પાડી અધિકારીઓને ટુ-વ્હીલર પાછળ બેસનારને પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો છે.
AMC દ્વારા પાંજરાપોળ ચાર રસ્તા પર ફ્લાયઓવર બનાવવાની યોજનાનો વાંધો ઉઠાવનાર આંબાવાડીના નિવાસીઓ દ્વારા જનહિતની અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે આ અરજીના વિષયને વિસ્તૃત કરી તેમાં ટ્રાફિકની સમસ્યાનો પણ સમાવેશ કરી દીધો છે. જેમાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ‘અહીં કોઈ હેલ્મેટ નથી પહેરતું. મેં અમદાવાદમાં પોતાના એક વર્ષના પ્રવાસ દરમિયાન કોઈ ટુ-વ્હીલર સવારને હેલ્મેટ પહેરતા નથી જોયા. મને હંમેશા નવાઈ લાગે છે કે, હેલ્મેટ પહેરવાનો આગ્રહ કેમ નથી રાખતા?’ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ‘મને સમજ નથી પડતી કે, ટ્રાફિક પોલીસ શું કરી રહ્યા છે? હેલ્મેટ ન પહેરવા પર ચલણ? જો કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો ચલણ કાપવાનો અર્થ શું છે? પછી તે વીણી-વીણીને પોતાનું મન થાય, ત્યારે અમુક લોકોને પકડી લે છે. બપોર સુધી, થાકી જાય અને પછી પકડવાનું પણ બંધ કરી દે. પછી એક અઠવાડિયા સુધી શાંતિ અને પાછું ફરી આ શરુ થઈ જશે.’
