ગાંધીનગર- સંસદીયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પૂર્વ મુખ્યપ્રધાન સુરેશચંદ્ર મહેતા દ્વારા વિધાનસભામાં વોટ ઓન એકાઉન્ટ સંદર્ભે કરેલા નિવેદનને વખોડતાં કહ્યું કે, ભૂતકાળમાં પણ લોકસભાની ચૂંટણીના કારણે ત્રણ વખત વોટ ઓન એકાઉન્ટ લવાયુ છે અને અન્ય કારણોસર પણ કુલ ૧૬ વખત ગુજરાત વિધાનસભામાં વોટ ઓન એકાઉન્ટ લવાયું છે.
જાડેજાએ પૂર્વ મુખ્યપ્રધાન સુરેશચંદ્ર મહેતા દ્વારા રાજ્યમાં ચૂંટણી નથી તો પણ રાજ્ય સરકાર વિધાનસભામાં શા માટે વોટ ઓન એકાઉન્ટ લઇને આવી રહી છે તે સંદર્ભે કહ્યું કે, જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં વોટ ઓન એકાઉન્ટ લાવવાનો આ પ્રથમ પ્રસંગ નથી. આ અગાઉ લોકસભાની ચૂંટણીના કારણે કુલ ૩ વખત રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં વોટ ઓન એકાઉન્ટ લાવવામાં આવ્યું છે.
પૂર્વ મુખ્યપ્રધાને ધારાસભ્યોને બોલવાની પૂરતી તક નહીં મળે તે સંદર્ભે જાડેજાએ જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ અનેક વખત ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર અથવા પૂરક પત્રક રજૂ થયા બાદ પાંચ દિવસ પૂરા થાય તે પહેલા ચર્ચા અપાયેલ છે. તેજ પ્રમાણે લેખાનુદાન પ્રસ્તાવના સંબંધમાં પણ પાંચ દિવસ પૂરા થાય તે પહેલા ચર્ચા અપાયેલ છે. આમ આ સંદર્ભમાં કોઈ સંસદીય પ્રણાલીકાનો ભંગ થતો નથી અને લેખાનુદાન ઉપર ચર્ચા માટે પ્રણાલિકા મુજબ સમય ફાળવવામાં આવેલ હોય સભ્યોને બોલવાની તક નહિ મળે તેમ કહેવુ વાજબી નથી.
આગામી સત્રમાં રાજ્ય સરકાર દ્વારા જ્યારે ફેરફાર કરેલું અંદાજપત્રરજૂ કરવામાં આવશે ત્યારે સભ્યોને રજૂઆત કરવાની પૂરતી તક ઉપલબ્ધ થવાની છે એ બાબત પણ ધ્યાને લેવી રહી જેથી પૂર્વ મુખ્યપ્રધાનનું નિવેદન અસ્થાને છે તેમ ઉમેર્યુ હતું.