વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ પર VMCનો પ્રહાર, 108 મોડીફાઇડ સાઇલેન્સર પર ફેરવ્યુ બુલડોઝર

વડોદરા : શહેરમાં બાઇકર્સ ગેંગ અને અન્ય વાહનચાલકો દ્વારા મોટરસાઇકલોમાં લગાવેલા મોડીફાઇડ સાઇલેન્સરથી ફેલાતા ઘોંઘાટ સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. આજે પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખાએ સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે 108 ઇન્દોરી અને પંજાબી મોડીફાઇડ સાઇલેન્સર પર કોર્ટની મંજૂરી બાદ બુલડોઝર ફેરવી નાશ કર્યો. આ પહેલાં ફેબ્રુઆરી 2025માં 73 અને તાજેતરમાં 75થી વધુ સાઇલેન્સર નાશ કરાયા હતા.

શહેરના આઉટર રિંગરોડ, જૂના પાદરા રોડ, કારેલીબાગ, દાંડિયા બજાર, અકોટા બ્રિજ અને નવા વિકસિત ભાઈની ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ખાસ કરીને સાંજ અને રાત્રે બાઇકર્સ ગેંગ દ્વારા રેસર બાઇકો અને મોડીફાઇડ સાઇલેન્સરવાળી મોટરસાઇકલો ચલાવવામાં આવે છે. આનાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે અને અકસ્માતનો ભય રહે છે. આવા સાઇલેન્સર લગાવેલી બાઇકો ફટાકડા જેવો તીવ્ર અવાજ ઉત્પન્ન કરે છે, જે વૃદ્ધો, બાળકો અને દર્દીઓ માટે હેરાનગતિનું કારણ બને છે.

વડોદરા ટ્રાફિક પોલીસે આવી બાઇકો જપ્ત કરી, તેમાંથી મોડીફાઇડ સાઇલેન્સર કાઢી લીધા. કોર્ટની પરવાનગી મેળવી, દારૂની બોટલોની જેમ આ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ટ્રાફિક ACPએ જણાવ્યું કે, આવી કાર્યવાહી નિયમિત ચાલુ રહેશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં 60 રોયલ એનફિલ્ડ બાઇકો જપ્ત કરાઈ હતી, અને તાજેતરની કાર્યવાહીમાં 170થી વધુ બાઇક ચાલકો સામે પગલાં લેવાયા. આ કાર્યવાહી ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને શહેરમાં શાંતિ જાળવવા માટેનો પોલીસનો પ્રયાસ છે. નાગરિકોને પણ આવા ગેરકાયદે મોડિફિકેશન સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.