વડોદરા: દિવાળીના કારણે વતન જવા અને બહારગામ જવા માટે થઈ રહેલો ધસારો વડોદરા એસટી ડિવિઝનને ફળી રહ્યો છે. દિવાળીના તહેવારો શરુ થતા જ એસટી ડેપો પર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટના રુટ પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા વધારાની બસો મૂકવામાં આવી હોવા છતા કેટલીક બસોમાં લોકોએ ઉભા ઉભા મુસાફરી કરવાનો પણ વારો આવી રહ્યો છે.
સૂત્રો પ્રમાણે છેલ્લા 3 દિવસમાં વડોદરા એસટી ડિવિઝનને 22 લાખ રૂપિયાની વધારાની આવક થઈ છે અને આ જ સ્થિતિ બીજા ત્રણેક દિવસ રહે તેવી શક્યતા છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે વડોદરા ડિવિઝનમાં 7 નવેમ્બર સુધી વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી અનુસાર એસટીને રોજ સરેરાશ 40 લાખ રૂપિયાની આવક થતી હોય છે, પણ 29થી 31 ઓકટોબર દરમિયાન રોજની 47 લાખ રૂપિયાની આવક એસટીને થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રોજ 15000થી વધારે મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન એસટીની વધારાની 438 ટ્રીપો ગોઠવાઈ છે. એસટી બસોએ રોજ કરતા સરેરાશ 38000 કિલોમીટરની મુસાફરી વધારે કરી છે. બેસતા વર્ષે અને રવિવારે ભાઈ બીજના દિવસે ફરી મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
