ઉપલેટા: મહાશિવરાત્રિના પર્વ પર માથાભારે વિધર્મી શખ્સે શહેરના મુખ્ય ચાર રસ્તા એટલેકે બાપુના બાવલા ચોકમાં જ છરી કાઢીને આતંક મચાવ્યો હતો. ઘણા વેપારી તથા રાહદારી મહિલા અને પુરૂષોને બેફામ ગાડો ભાંડી હતી. આ જ મામલાના વિરોધમાં હિન્દુ સંગઠનોના દ્વારા ઉપલેટા બંધનું એલાન આપ્યું હતુ. જેના પગલે આજે સવારથી ઉપલેટા સજ્જડ બંધ રહ્યું હતું. જો કે બાદમાં પોલીસે માથાભારે શખ્સને પકડીને જાહેરમાં કાયદાના પાઠ ભણાવતા મામલો થાળે પડયો હતો અને બજારો ખુલી હતી.
વાત આખી એમ છે કે, શહેરમાં બે દિવસ પહેલા બાવલા ચોકમાં મીંયાણાવાસમાં રહેતા માથાભારે શખ્સ અબુ ઉર્ફે ડાડુ જામ મીયાણાએ રાત્રે જાહેરમાં ગાળો બોલી અને છરી સાથે ધમાલ મચાવી હતી. આ ઉપરાંત “હું ઉપલેટાનો બાપ છું” એવું કહી ભાગી ગયો હતો. તે બાબતના વિરોધમાં ગઈ કાલે રાત્રે 11 વાગ્યે બાવલાચોકમાં હિંદુ સંગઠનોના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. આરોપી સામે જાહેરમાં બિભત્સ ગાળો અને બખેડો કરવાની કલમ સાથે પકડી પોલીસે જેલ હવાલે કરેલો હતો, જેથી હિન્દુ સંગઠનો દ્વારા આજે તા. 28નાં શુક્રવારે જયાં સુધી ગુનેગારને પોલીસ બાવલા ચોકમાં ન લઈ આવે ત્યાં સુધી ઉપલેટા બંધનું એલાન આપેલું હતું. પરિણામે આજે સવારથી બસસ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, ગાંધી ચોક, ભાદર રોડ, નટવર રોડ સહિતનાં વસિુત્રમાં દુકાનો સહિતના ધંધા રોજગાર સજ્જડ બંધ રહ્યા હતાં. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે 11 વાગ્યે આરોપીને બાવલા ચોક ખાતે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. અને ત્યારબાદ લોકોનો રોષ ઓછો થયો હતો.
