જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે, 21 મે, 2025ની વહેલી સવારે કેસર કેરીની હરાજી ચાલી રહી હતી, ત્યારે અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતો, ઈજારેદારો અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું. ભારે વરસાદના કારણે યાર્ડમાં રાખવામાં આવેલા લગભગ 25,000થી 30,000 કેરીના બોક્સ પલળી ગયા, જ્યારે કેટલાક બોક્સ પાણીમાં તણાઈ ગયા. આ ઘટનાથી ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
મળતી માહિતી પ્રમાણે, સ્થાનિકોનોએ આક્ષેપ કર્યો છે, કે છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોની હરાજી માટે યોગ્ય શેડ, પાકા રસ્તા અને ગટર વ્યવસ્થાની માગણી કરવામાં આવી રહી છે, પરંતુ યાર્ડના સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ખેડૂતો ધારાસભ્યને અપીલ કરી કે, યાર્ડમાં ફળો માટે શેડ અને સંગ્રહની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે, કારણ કે અહીં આધુનિક સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે. ઉલ્લેખનીય છે કે, હરાજી શરૂ થતાં જ વરસાદ આવી ગયો. યાર્ડમાં લાવેલા 25,000થી 30,000 બોક્સને નુકસાન થયું છે. ઘણી કેરીઓ પાણીમાં તણાઈ ગઈ. યાર્ડની બેદરકારીએ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ સ્વિકાર્યું કે શાકભાજી અને ફળો માટે એક શેડ હોવાથી જગ્યાની અછત છે. નવા શેડ માટે પ્લાનિંગ અને ઈસ્ટિમેટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે.
આ અણધાર્યા વરસાદે ખેડૂતો અને ઈજારેદારોના સપનાઓને વેરવિખેર કરી દીધા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને ઉભો કરેલો કેસર કેરીનો પાક અને તેના વેચાણની આશાઓ આજે પાણીમાં ડૂબી ગઈ. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અપૂરતી સુવિધાઓ અને બેદરકારીએ ખેડૂતોને મોટી આર્થિક ખોટ સહન કરવા મજબૂર કર્યા છે.
