કુંભમેળામાં જવા અમદાવાદથી વધુ બે ફ્લાઈટ ઉડાન ભરશે

પ્રયાગરાજમાં અત્યારે કુંભમેળો ચાલી રહ્યો છે. હજારો લાખો લોકો કુંભમેળાની મુલાકાતે પહોંચી રહ્યા છે. પાછલા આઠ દિવસથી ચાલી રહેલ આ કુંભ મેળામાં રોજના લાખો લોકો સ્નાન કરી આનંદની અનુભુતી મેળવી રહ્યા છે. ત્યારે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં સામેલ થવા માટે દેશ-વિદેશથી ભક્તોનો પ્રવાહ પ્રયાગરાજ તરફ આવી રહ્યો છે. ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં કુંભમેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ મેળામાં જવા માટે ભક્તોની સંખ્યામાં વધારો થતા અમદાવાદથી પ્રયાગરાજની વધુ બે ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 28મી તારીખથી અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ વચ્ચે ઈન્ડિગો અને અકાસા એરની ખાસ ફ્લાઈટનો પ્રારંભ કરાશે.

સ્પાઇસ જેટ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ માટે દરરોજ બે ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવી રહી છે. પરંતુ આ ફ્લાઈટના ભાડમાં તોતિંગ વધારો પણ ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદની રાઉન્ડ ટ્રીપનું ભાડું હાલમાં 35,000 જેટલું ચાલી રહ્યું છે. ત્યારે હવે સ્પાઈજેટ એરલાઇન્સ બાદ ઈન્ડિગો અને અકાસા એરલાઇન્સ દ્વારા પણ કેટલાક દિવસો માટે ખાસ ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી છે. પ્રયાગરાજના કુંભમેળામાં જતા ગુજરાતના પ્રવાસીઓનો ધસારો જોઈને ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા જાન્યુઆરી માસમાં 28 અને 30 તારીખે તથા ફેબ્રુઆરી માસમાં 01, 04, 05, 11, 13, 24, 25, 27 અને 28 એમ કુલ 11 દિવસ માટે અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદની સીધી ફ્લાઈટ ઓપરેટ કરાશે. સીધી ફ્લાઈટમાં ફક્ત એક વખત નું ભાડું ₹20,000 થી 30 હજાર રૂપિયા સુધીનું છે. એટલે કે, ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ પસંદ કરો તો ખિસ્સા ઉપર 60 થી 70 હજાર સુધીનો ખર્ચ કરવો પડશે. આ ઉપરાંત અકાસા એરલાઇન્સ દ્વારા પણ ફક્ત મહાકુંભ મેળા માટે કેટલાક દિવસ માટે અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ માટે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરી માસમાં 28 અને 29 જાન્યુઆરી 2025 તથા ફેબ્રુઆરી માસમાં 11, 12, 25 અને 26 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી અમદાવાદ માટે સીધી ફ્લાઇટ ઓપરેટ થશે. અકાસા એરલાઇન્સ દ્વારા મહા કુંભમેળામાં જવા માટે વન વે ફેર 16000 થી 23 હજાર સુધી ચૂકવવો પડી શકે છે.