વડોદરામાં આજે સવારમાં બે આગની ઘટના સામે આવી છે. મકરપુરા વિસ્તારમાં સ્થિત સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં આજે સવારે ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સ્ટોરરૂમમાં ટેન્ટ સહિતનો સામાન સંગ્રહિત હતો, જેનો ઉપયોગ એસઆરપી જવાનો બહારની ફરજો દરમિયાન કરે છે. છેલ્લા બે કલાકથી આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એસઆરપીના જવાનોએ શક્ય તેટલો સામાન બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સામાનને વ્યાપક નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળે અત્યાર સુધી આઠ ફાયર ફાઇટર વાહનો પહોંચી ગયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી બાજુ સયાજીપુરામાં ઘરમાં આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા નામના વ્યક્તિનું મોત થયું છે
મકરપુરા ખાતે આવેલા એસઆરપી ગ્રુપ-9ના આ સ્ટોરરૂમનું બાંધકામ મોટે ભાગે લાકડા અને પતરાંનું છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ સ્ટોરરૂમમાં રાખેલો સામાન એસઆરપી જવાનો માટે બહારની ફરજો દરમિયાન ઉપયોગી હતો. આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના બનતાં જ વિવિધ ફાયર સ્ટેશનોમાંથી ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને નાથવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
ચાર જુદા જુદા ફાયર સ્ટેશનોમાંથી આઠ ફાયર ફાઇટર વાહનો આગને કાબૂમાં લેવા માટે કામે લાગ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે છ સ્ટોરરૂમમાં રાખેલા સામાનને ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ એસઆરપી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. એસઆરપી જવાનોએ સામાન બચાવવા માટે હાથ ધરેલા પ્રયાસોમાં ફાયર વિભાગને પણ સહયોગ આપ્યો હતો.
