સુરતના બે કોર્પોરેટર 10 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

સુરત શહેરની ACBને મોટી સફળતા મળી છે. શહેરના બે કોર્પોરેટર 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને ધમકી આપી આ બે કોર્પોરેટરોએ દસ લાખની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવવાની ધમકી આપી તેમની પાસે 10 લાખની લાંચ માંગી હતી. આ ધમકી સાથે લાંચ માગ્યા હોવાની ફરિયાદ ACB રેકોર્ડિંગ સહિત કરવામાં આવી હતી. જેના આધારે કાર્યવાહી એસીબીએ બન્ને કોર્પોરેટરોને ઝડપી લીધા છે.

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા મહાનગર પાલિકા દ્વારા મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૫૩ ના ફાઇનલ પ્લોટ નં.88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરાઈ છે. આ અંગે ‘પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને મળ્યો છે. આ ‘પે એન્ડ પાર્ક’ની  બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવાઈ હતી. સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16 અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઇ સુહાગીયાએ આ ‘પે એન્ડ પાર્ક’ ની સુવિધાવાળી જગ્યાએ પહોંચ્યા હતા આ દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સાથે  બોલાચાલી કરી હતી. જે બાદ કોર્પોરેટરે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફી પત્ર તેઓએ લખાવી લીધું હતું. ત્યારબાદ બંને કોર્પોરેટરોએ  કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવા કોન્ટ્રાક્ટર પાસે 11 લાખની લાંચ માગવાનો ખેલ શરૂ કર્યો. આ માટે કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં અને મોબાઇલ ફોન પર લાંચની માંગણી કરી હતી અને આખરે મામલો 10 લાખમાં પતાવવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટરએ ઓડિયો રેકોર્ડીંગ કરી લીધું હતું. કોન્ટ્રાકટરએ વાતચીતના રેકોર્ડીંગ CD સાથેની ACBમાં ફરિયાદ કરી હતી. એસીબીએ પ્રાથમિક તપાસ કરી રેકોર્ડિંગ સીડીનું એફએસએલ માંથી નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓનું એફએસએલમાં વોઇસ સ્પેક્ટોગ્રાફી પરીક્ષણ પણ કરાયું હતું. જેના આધારે એસીબીએ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિપુલ સુહાગિયા ની ધરપકડ કરાઈ છે જ્યારે જીતુ કાછડીયા ફરાર છે તેની શોધખોળ ચાલુ છે.