જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. અનેક બેઠકો માટે ઉમેદવારોના નામ માટે જુદા જુદા રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. એમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક વિશેની ચર્ચા હાલ ચાલે છે. ત્યાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના કુટુંબમાં જ સામસામી ટક્કર થવાની શક્યતા છે. એક તરફ જાડેજાની પત્ની રીવાબા ભાજપ વતી જ્યારે બીજી બાજુ બહેન નયનાબા કોંગ્રેસ પાર્ટી વતી ચૂંટણીના મેદાનમાં ઝૂકાવે એવી શક્યતા છે.
રીવાબાએ 2019માં લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. એના અમુક જ દિવસો બાદ જાડેજાની બહેન નયનાબાએ કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું હતું. જામનગરમાં નયનાબાની સારી એવી વગ ચાલે છે. એ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજકારણમાં સક્રિય છે. જાડેજાની પત્ની રીવાબા આ વખતની ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે દાવેદાર હોવાનું કહેવાય છે. હાલ પક્ષના વિધાનસભ્ય છે ધર્મેન્દ્રસિંહ જાડેજા. એમની ટિકિટ કાપીને રીવાબાને આપવામાં આવે એવી શક્યતા છે. અમુક દિવસો પહેલાં રાજ્યસભાના સદસ્ય પરિમલ નથવાણીએ સોશ્યલ મીડિયા મારફત અપીલ કરી હતી કે રાજકીય પક્ષોએ આગામી ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને પસંદ કરવા જોઈએ. એમણે કોઈનું પણ નામ લીધું નહોતું. રીવાબા જાડેજા મૂળ રાજકોટનાં છે અને એમનાં પિતા મોટા ઉદ્યોગપતિ છે. રીવાબા ઘણા વર્ષોથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. જો ભાજપ રીવાબાને ટિકિટ આપશે તો એની સામે કોંગ્રેસ નયનાબાને ટિકિટ આપે એવી શક્યતા રહેશે. જો એવું થશે તો આ મતવિસ્તારમાં રોમાંચક ટક્કર જોવા મળશે. જોકે રવિન્દ્ર જાડેજા માટે તો ધર્મસંકટ બની રહેશે કે ચૂંટણીમાં કોનો પ્રચાર કરવો? ભાજપસભ્ય પત્નીનો કે કોંગ્રેસસભ્ય બહેનનો?
