ગાંધીનગર: આજે ભૂપેન્દ્ર પેટલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. PMJY હેઠળ આવતી હોસ્પિટલ બરોબર કામગીરી કરે છે કે નહી તેને લઈ તપાસ પણ કરવામાં આવશે. આ સાથે સાથે PMJY યોજના માટે હોસ્પિટલની કડક SOP બનાવવા સૂચના અપાઈ છે. SOPની કડક અમલવારી પરંતુ લોકો હેરાન ના થવા જોઈએ તેવી મુખ્યમંત્રીએ સૂચના આપી છે. કોઈપણ હોસ્પિટલમાં હવે ખોટી સારવાર ના થાય તેવી કાર્યવાહી અને SOP માટે સૂચના અપાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ટુંકા સમયમાં આરોગ્ય વિભાગ PMJY યોજના અંગેની હોસ્પિટલ માટેની SOP જાહેર કરશે. જેમાં મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક SOP હશે. હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થશે. હવે કોઈ પણ ડોકટર PMJY હેઠળ દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજયસરકાર સફાળી જાગી છે. ગરીબોના ખભ્ભે બંદુક રાખી સરકારી તીજોરી સાફ કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો ખ્યાતિ હોસ્પિટલનો. આ મામલે કેટલાક ચોંકાવનારા ખુલ્લાસા પણ થાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે,ગરીબો ક્યાં છે તે જાણવા ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોએ રાખી હતી માર્કેટિંગ ટીમ અને ગામડાઓમાં માર્કેટિંગ ટીમ સર્વેની કામગીરી કરતી હોવાની પણ વાત સામે આવી છે. આ ટીમ ગરીબો ક્યાં છે, કોની પાસે આયુષ્માન કાર્ડ છે તેનો સર્વે કરતી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમની સાથોસાથ ગુજરાત નર્સિંગ કાઉન્સીલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. નિયમ મુજબ કોઈ પણ નર્સિંગ કોલેજ ચલાવવા માટે પોતાની હોસ્પિટલ શરૂ સ્થિતિમાં હોવી જરૂરી છે. હોસ્પિટલમાં હાલમાં એક પણ દર્દી ન હોવાથી નર્સિંગ કોલેજ શરૂ રહેશે કે બંધ એ પણ મોટો સવાલ છે. જો ખ્યાતિ નર્સિંગ કોલેજ બંધ થશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાય તેવી શક્યતા છે. હાલ તો ખ્યાતિ હોસ્પિટલ બંધ હોવાનો રિપોર્ટ નર્સિંગની ટીમ બોર્ડને કરશે.